ગુજરાતમાં જ નહિ આખા દેશમાં ખેડૂતની સ્થિતિ સારી નથી, અને આ આજકાલનું નહિ વર્ષોથી ચાલ્યું આવે છે, સરકારો બદલાય છે રાજકારણીઓ બદલાય છે પણ ખેડૂતોના પ્રશ્નો બદલાતા નથી, જો તમે ખેડૂત પરિવાર માંથી આવતા હોય ખેતી સાથે સંકળાયેલા હોવ તો તમને ખ્યાલ હશે જ આજકાલનું નહિ વર્ષોથી ખેડૂતો પોતાના પાકના યોગ્ય ભાવ માટે લડી રહ્યા છે, પછી એ કપાસનો ભાવ હોય ડાંગરનો ભાવ હોય, કે સીઝનલ પાકની વાત હોય દરવખતે તમે સમાચાર ચેનલ પર ડુંગળીના ભાવ ન મળવાના કારણે ખેડૂતોને આંદોલન કરતા જોયા હશે, સીઝનમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ પોતે મહામૂલી મૂડી લગાવી ને પકવેલા ટામેટા, શાકભાજી રોડ પર ફેંકતા જોયા હશે, આ તો એક બાજુ છે.
બીજી બાજુ તમે એપણ જોયું હશે કે જે ખેડૂતોને એમના પાકના યોગ્ય ભાવ નથી મળતા એજ પાછળથી ભાવ આસમાને પહોંચી જાય છે, પછી એ ડુંગળી હોય, ટામેટા હોય કે અન્ય કોઈ પાક હોય? સ્વાભાવિક ત્યારે પ્રશ્ન થાય કે કેમ આવું થતું હશે? તો આ પ્રશ્ન નો સીધો જવાબ છે કે ખેડૂતો ની મેહનત વચ્ચેના વચેટિયા લઇ જાય છે અને આ આજકાલનું નહિ વર્ષોનું છે સરકારો આવે છે જાય છે દરેક વખતે વાયદાઓ ના વેપાર કરે છે કે અમે ખેડૂત માટે આમ કરીશું ફલાણું કરીશું ઢીકણું કરીશું પણ આ બધું જ ધોળે દિવસે તારા દેખાડવા જેવું છે.
સરકારો આવે છે જાય છે પણ ખેડૂતોની અને ખેડૂતો માટેની નીતિઓ માં ક્યારેય સુધારો થતો નથી ઉલ્ટાનું નીતિઓ વધારે ખેડૂત વિરોધી બનાવી દેવાય છે.હાલમાં જ ગુજરાત સરકારે આવી જ એક નીતિ જાહેર કરી છે કે હવે કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે, અરે તમે વિચારો તો ખરા કે આ નિર્ણય થી શું થશે ? ફરી પાછી એજ ખેડૂતો ગુલામી પ્રથામાં ધકેલાઈ જશે, કેમકે ઉદ્યોગપતિઓ પૈસા વાળાઓ ખેતીની જમીન એક વખત ખેડૂતો પાસેથી મોં માંગ્યા ભાવે ખરીદી લેશે પછી એજ ખેતરમાં એજ ખેડૂતને ખેત મજરૃના સ્વરૂપે કામ કરાવશે.
કેટલાકને એવો પ્રશ્ન થશે કે આવું નહિ થાય તો એવા લોકો એ થોડુંક યાદ કરી લેવું અને યાદ ન આવે તો ગુગલ બાબાના આશીર્વાદ લઇ ને જોઈ લેવું કે આઝાદી પૂર્વે સમગ્ર જમીનના માલિકો મુઠ્ઠીભર જમીનદાર લોકો હતા અને એ લોકો ખેડૂતોને જમીન, અડધા ભાગે કે ગણોતે કે બીજી શરતોને આધીન ખેડવા આપતા હતા. ખેડૂતો ત્યારે જમીનના માલિક ન હતા. ભાગ ભર્યા વિના ખેડૂતો પોતાના પરસેવે પકવેલા અનાજ કે પછી બીજા પાકને ઘરે લાવી શકતા નહીં. લાવવું જ હોય તો પોતે પકવેલા પાકની ચોરી ખેડૂતોને કરવી પડતી, હા આપણને આઝાદી મળી પછી તત્કાલીન સરકારે "ખેડે તેનું ખેતર" એવો ઐતિહાસિક કાયદો લાવી, અને પેઢી દર પેઢી જે જમીનની સેવા કરતા આવેલા એવા ખેડૂતો તે જમીનના માલિક બનાવ્યાં. અને યુગો થી ચાલતા શોષણનો પણ અંત આવ્યો.
ત્યાર પછીના વખતોવખત સુધી ખેતીની જમીન આધારિત ગણોત અને મહેસુલ કાયદાઓ મુજબ બિનખેડૂતો ખેતીની જમીન ખરીદીને પોતાને ખાતે કરાવી શકતા ન હતા. ટૂંકમાં ખેડૂત ખાતેદાર બનવા માટે માતૃ-પિતૃ પક્ષે(વરસાઈમાં)ખાતેદાર હોવું જરૂરી ગણાતું. વર્તમાન સરકારે એમાં સુધારો કરીને બિનખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે એવો નિર્ણય કર્યો છે. હવે તમે વિચારો કે આ નિર્ણય ખેડૂતોના હિતમાં ગણી શકાય કે ઉદ્યોગપતિ કે કાળા બજારીયા ઓના હિતમાં?2016 ના વર્ષમાં પણ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 2013 ના જમીન સંપાદન કાયદામાં સુધારો કરી ને ખેડૂત લક્ષી જોગવાઈ ને દૂર કરી ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ને ફાવે તેવું કરી આપ્યું છે.
એક બાજુ સરકાર દ્વારા ખેડૂતોની આવક 2022 માં બે ગણી કરવાની વાત કરવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ આ લક્ષ્યને સિધ્ધ કરવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવાને બદલે એક પછી એક ખેડૂત વિરોધી નિર્ણયો લેવાય રહ્યા છે.આ સુધારેલા નિયમો મુજબ હવે આવા મોટા માથાઓને જમીન ખરીદવાનું મોકળું મેદાન મળી જશે એટલે ખેતીની જમીનની કિંમત માં મોટો ઉછાળો આવવાની શક્યતા પણ રહેલી છે. બીજી બાજુ વારંવાર કુદરતી હોનારતો અને સરકારની વીમા યોજના જેવી અણઘડ કે ઇરાદાપૂર્વક ખેડૂતોની લૂંટ કરવાની નીતિનો ભોગ બનીને ખેડૂત દેવાદાર બન્યો છે. એવામાં આવતી મોટી રકમની ઓફરથી ખેડૂત જમીન વેચવા મજબૂર બનવાનો. આ રીતે ફરી વખત ખેતીની જમીન થોડા મુઠ્ઠીભર માલેતુજાર લોકોના હાથમાં આવી જવાની અને ખેડૂતો પૂર્ણતઃ રીતે ખેત મજૂર બની જશે.
એક વખત ખેડૂત ખેત મજુર બની ગયો પછી એ ક્યારેય એની જમીનનો માલિક નથી બની શકવાનો એ પછી આ જીવન મજુર જ રહેવાનો કેમકે જે ઉદ્યોગપતિ એ પોતાની કાળી કમાણી જમીનમાં રોકી છે એ થોડી ખેડૂતના ફાયદા માટે વિચારવાનો એ તો પોતાની મૂડી અને એના વ્યાજની જ ચિંતા અને ચિંતન કરવાનો સરવાળે ગરીબ ખેડૂત વધુને વધુ ગરીબ બનતો જવાનો અને પૈસાદાર વધુ ને વધુ પૈસાદાર બનશે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી હતી પણ ત્યારે ખબર નહતી કે ઉદ્યોગપતિઓ ને ખેડૂત બનાવી એમની આવક બમણી કરશે, આ સમય ખેતી કરતા દરેક ખેડૂતોએ વિચારવાનો છે.