શકુન રાનીને ‘ડબલ વોટર' બતાવીને ફસાયા રાહુલ ગાંધી? ECએ ડેટા પર ઉઠાવ્યા સવાલ
Rahul Gandhi: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે જેમાં તેમના દ્વારા લગાવવામાં આવેલા મતદાર છેતરપિંડીના આરોપો પર સ્પષ્ટતા અને પુરાવા માગવામાં આવ્યા છે. આ પત્ર રાહુલ ગાંધી દ્વારા 7 ઓગસ્ટ 2025ના રોજ દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સના જવાબમાં લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે બેંગલુરુ સેન્ટ્રલના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં મોટા પાયે મતદાર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
કર્ણાટકના CEOએ રાહુલ ગાંધીને લખેલા પોતાના પત્રમાં કહ્યું છે કે, 'તમે 7 ઓગસ્ટની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તમારા દ્વારા બતાવવામાં આવેલા દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચના રેકોર્ડમાંથી છે. તમે કહ્યું હતું કે આ ચૂંટણી પંચનો ડેટા છે અને એમ પણ કહ્યું હતું કે મતદાન અધિકારી દ્વારા આપવામાં આવેલા રેકોર્ડ મુજબ, શકુન રાનીએ બે વાર મતદાન કર્યું છે. તમે મતદાર ઓળખપત્ર બતાવ્યું અને કહ્યું કે તેના પર બે ટિક માર્ક્સ છે, આ ટિક માર્ક્સ મતદાન મથક અધિકારીના છે.'
મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યું, 'તપાસ દરમિયાન, શકુન રાનીએ કહ્યું છે કે તેમણે 2 વાર નહીં, માત્ર એક જ વખત મતદાન કર્યું છે, જેમ કે તમે આરોપ લગાવ્યો છે. અમારી ઓફિસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તમારા સબમિશનમાં દર્શાવેલ ટિક માર્ક કરેલો દસ્તાવેજ મતદાન અધિકારી દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ નથી. એટલે તમને વિનંતી કરવામાં આવે છે કે કૃપયા એ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવો, જેના આધારે તમે તારણ કાઢ્યું છે કે શકુન રાની અથવા અન્ય કોઈ વ્યક્તિએ બે વાર મતદાન કર્યું છે, જેથી અમારી ઓફિસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે.'
રાહુલ ગાંધીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં અયોગ્ય મતદારોનો સમાવેશ કરવાનો અને લાયક મતદારોને કાઢી નાખવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં, કર્ણાટકના CEOએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, 'ચૂંટણીના સંચાલન સંબંધમાં, ચૂંટણી પરિણામોને માત્ર હાઇકોર્ટમાં ચૂંટણી અરજી દ્વારા પડકારી શકાય છે. તમને વિનંતી કરવામાં આવે છે કે તમે ચૂંટણી નોંધણી નિયમો, 1960ના નિયમ 20 (3) (b) હેઠળ ઘોષણાપત્ર/સોગંદનામા પર સહી કરો અને તે મતદારોના નામ સાથે તેને સબમિટ કરો, જેથી જરૂરી કાર્યવાહી શરૂ કરી શકાય.'
કર્ણાટક રાજ્ય ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપો પર કહ્યું હતું કે મતદાર યાદીઓ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 નોંધણી નિયમ 1960 અને ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે જાહેર કરાયેલા નિર્દેશો અનુસાર પારદર્શક રીતે તૈયાર કરવામાં આવે છે. નવીનતમ મતદાર યાદીઓ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે શેર કરવામાં આવી હતી, અને કોંગ્રેસે તે સમયે તેની સામે કોઈ અપીલ કે ફરિયાદ નોંધાવી ન હતી. રાહુલ ગાંધીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મહાદેવપુરામાં 1,00,250 મતો ચોરાઈ ગયા હતા, જેમાં 11,965 ડુપ્લિકેટ મતદારો, 40,009 નકલી અને ગેરકાયદેસર સરનામાં, એક જ સરનામાં પર 10,452 બહુવિધ મતદારો, 4,132 ગેરકાયદેસર ફોટોગ્રાફ્સ અને ફોર્મ 6 નો 33,692 દુરુપયોગનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp