Ajmer Dargah Case: અજમેર દરગાહને હિન્દુ મંદિર હોવાના દાવા પર હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટ તરફથી આવ્યું મોટું અપડેટ
Ajmer Dargah Case: અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહને હિન્દુ મંદિર જાહેર કરવાના દાવાના કેસની સુનાવણી સોમવારે (04 ઓગસ્ટ) હાઇકોર્ટમાં થઈ હતી. અજમેર જિલ્લા કોર્ટમાં પૂજા કરવાની મંજૂરી આપવાની માગને લઈને ચાલી રહેલા કેસ સામે રાજસ્થાન હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર આ સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે તમામ પક્ષોને નોટિસ જાહેર કરી છે અને 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે.
હાઇકોર્ટની જયપુર બેન્ચે ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને અજમેર કોર્ટમાં કેસ દાખલ કરનાર હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ શર્માને નોટિસ જાહેર કરી છે. દરગાહના ખાદિમોના 2 સંગઠનોએ હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી છે.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અજમેર જિલ્લા કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે. દલીલ એવી આપવામાં આવી છે કે અશ્વિની કુમારના કેસમાં સુપ્રીમ કોર્ટે દેશની તમામ કોર્ટોને ધાર્મિક સ્થળો અંગે ચાલી રહેલા વિવાદમાં કોઈપણ વચગાળાનો આદેશ જાહેર કરવાથી મનાઈ ફરમાવી છે. પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ 1991 પર નિર્ણય આવ્યા બાદ જ કોઈ અંતિમ કે વચગાળાનો આદેશ આપવાનું કહેવામાં આવ્યું હતું.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના સ્ટે છતા અજમેરની જિલ્લા કોર્ટ દરગાહ વિવાદ કેસની સતત સુનાવણી કરી રહી છે. પક્ષકારો પાસેથી જવાબો લેવામાં આવી રહ્યા છે અને સાથે જ દસ્તાવેજો પણ રેકોર્ડ પર લેવામાં આવી રહ્યા છે. અરજદારો તરફથી તેમના વકીલ આશિષ કુમાર સિંહે સોમવારે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી.
હાઈકોર્ટે સોમવારે અજમેરની જિલ્લા અદાલતમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર સ્ટે આપ્યો નથી. અજમેરની જિલ્લા કોરટમાં આગામી સુનાવણી 30 ઓગસ્ટે થવાની છે. હાઈકોર્ટમાં કેસની સુનાવણી ત્રીજા કે ચોથા અઠવાડિયામાં જ થશે. અંજુમનો તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચાલી રહેલા ટ્રાયલને કારણે, કેસ વચગાળાના આદેશ તરફ આગળ વધી રહ્યો છે. અંજુમનોએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા સ્ટે બાદ, અજમેરની જિલ્લા કોર્ટને હવે સુનાવણી ચાલુ રાખવાનો અધિકાર નથી અને દેશની અન્ય તમામ કોર્ટો પણ કેસોની સુનાવણી કરી રહી નથી અને માત્ર તારીખો જ નક્કી કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp