12/15/2025
મૂળ અયોધ્યાની 17 વર્ષીય છોકરી અલથાણ વિસ્તારમાં સ્વિમ પેલેસ નામની એક બિલ્ડિંગમાં રહેતી હતી અને તે જ ઇમારતમાં રહેતા એક ડૉક્ટરના ઘર પર હાઉસકીપરનું કામ કરતી હતી. કોઈ વાતને લઈને તેની માતા સાથે મતભેદ થઈ ગયો હતો. આ દરમિયાન, તેની માતાએ ફોન પર કહ્યું કે, ‘તું મરી જા તો સારું’. આ શબ્દોએ છોકરીનું દિલ ખૂબ જ તોડી નાખ્યું અને તે આત્મહત્યા કરવા જેવુ આત્યંતિક પગલું ભરવા માટે ઇમારતના 10મા માળે ગઈ.
રવિવારે સવારે સુરતના અલથાણ વિસ્તારમાં એક 17 વર્ષીય છોકરીએ સ્વિમ પેલેસ નામની બહુમાળી ઇમારતના 10મા માળે ચઢીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે હાહાકાર મચી ગયો હતો. બિલ્ડિંગના પેન્ટહાઉસની બાઉન્ડ્રી વૉલ પર ઉભી રહીને,છોકરી સતત ચીસો પાડી રહી હતી કે તે કૂદી જશે. નીચે ઉભેલા સેંકડો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, અને આખો વિસ્તાર જાણે કોઈ થ્રીલર ફિલ્મના ક્લાઇમેક્સમાં બદલાઈ ગયો હતો. આ કોઈ શૂટિંગ નહીં, પરંતુ એક સગીરનો જીવ બચાવવા માટેનો વાસ્તવિક સંઘર્ષ હતો. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવવામાં આવી.