દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ મામલે વધું એક શિક્ષિકાની સાથે ૬ની ધરપકડ, મોટા ખુલાસાઓ થવાની શક્યતા! જાણો
દક્ષિણ ગુજરાતમાંથી ફરી એક ધર્માંતરણને લઈને મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ચાલતા કથિત ધર્માંતરણના કાળા કારોબાર પર પોલીસે સકંજો કસ્યો છે. પોલીસને સુરતના માંડવી તાલુકામાં સામે આવેલા ધર્માંતરણ કેસમાં વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં મીનાબેન ચૌધરી નામની મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કુલ આરોપીઓની સંખ્યા 6 પર પહોંચી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે, મીનાબેન ચૌધરી માત્ર નામ પૂરતા આ કેસમાં સામેલ નહોતા, પરંતુ યુવતીઓને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં તેમની સક્રિય ભૂમિકા હતી. ધરપકડની આશંકા જણાતા મીનાબેને પોતાના મોબાઈલ ફોનને ફોર્મેટ કરી દીધો હતો, જેથી પોલીસને કોઈ ડિજિટલ પુરાવા ન મળે. પરંતુ, ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ આ આખા ષડયંત્રના મુખ્ય સૂત્રધાર ગણાતા 'રામજી' સાથે સીધા સંપર્કમાં હતા.
અહીં સૌથી ગંભીર બાબત એ છે કે, સમાજને શિક્ષિત કરવાની જવાબદારી ધરાવતા 4 શિક્ષકો અત્યાર સુધી આ કેસમાં ઝડપાયા છે. 2 દિવસ પહેલા જ રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આદિવાસી સમાજની ભોળી જનતા અને ખાસ કરીને યુવતીઓને ટાર્ગેટ બનાવી, તેમને આર્થિક લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવાનું એક સુઆયોજિત નેટવર્ક અહીં ચાલી રહ્યું હતું.
મહત્વનું છે કે, સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક હિંમતવાન યુવતીએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે DYSP બી.કે. વનાર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આદિવાસી વિસ્તારોમાં લોકોની ગરીબી અને ભોળપણનો ફાયદો ઉઠાવી તેમને શિક્ષણ કે સ્વાસ્થ્યના બહાને ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવતા હતા. હાલ, સુરત ગ્રામ્ય પોલીસ હાલ આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે મીનાબેનના ફોનમાંથી ડિલીટ થયેલો ડેટા રિકવર થયા બાદ આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે જાણી શકાશે. આગામી દિવસોમાં આ કેસમાં હજુ પણ કેટલાક મોટા માથાઓ અને અન્ય સંસ્થાઓના નામો સામે આવવાની પૂરેપૂરી શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp