ફરી એક ગુજરાતી સિંગરની સમાજમાંથી બહિષ્કારની માંગ! સિંગરે વિડિયો દ્વારા કરી આ વિનંતી? જાણો સમગ્ર વિવાદ
તાજેતરમાં જ જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈનો મુદ્દો માંડ શાંત પડ્યો છે. ત્યારે વધુ એક ગાયક કાલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા આ એક વિવાદને વધુ હવા મળી છે. માહિતી મુજબ, સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પરિવારની નારાજગી સામે તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કરી લેતા સમાજ નારાજ થયો છે. આરતીના આ નિર્ણયનો સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેને સમર્થન આપી પડકાર સાથે નવું જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે.
માહિતી મુજબ, આરતી સાંગાણીએ જેની સાથે પ્રેમ લગ્ન કર્યા છે, તે દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને સિંગર આરતીના કાર્યક્રમમાં તબલા વાદક છે. બંને વચ્ચે દોઢેક વર્ષથી પ્રેમની પાંપણો ફૂટી છે. પરંતુ પરિવાર આ બાબતે વિરોધમાં હોવાથી આરતી અને દેવાંગે પ્રેમ લગ્ન કરી લીધા છે. આરતી મૂળ પાટીદાર સમાજમાંથી આવે છે. દીકરીએ આ પગલું ભરતા પિતા અને પરિવાર ખૂબ જ નારાજ છે અને દીકરી આરતીને પરત આવી જવા અને ભૂલ સુધારી લેવા આજીજી સાથે અપીલ કરી રહ્યો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
પાટીદાર સિંગર આરતી સાંગાણીના પરિવારની વાત કરીએ તો તેના પિતા લેસ પટ્ટીનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. દીકરીના આ પગલાં બાદ પિતાએ રડતી આંખે દીકરીને ઘરે આવી જવા વિનંતી કરતા કહ્યું છે કે, જે ભૂલ થઈ હોય એ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા, અમે તને સ્વીકારવા તૈયાર છીએ. એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે!
ત્યારે આ અંગે ખુલાસો કરતાં આરતીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધને લઈને મૌન તોડ્યું છે, અને સ્પષ્ટ કર્યું છે કે, અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?, તમે 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? છેલ્લે એમ પણ કહ્યું કે, અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું. લોકો અમારી આઝાદી અને સન્માનપૂર્વક જીવવાના અધિકારને સમજશે.
આરતીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા પાટીદાર આગેવાનો પિતાની પડખે ઊભા થયા છે. જેમાં યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, છેલ્લા 10 દિવસથી દીકરીના માતા-પિતા ખૂબ જ ચિંતામાં છે, પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો, તેને જે સન્માન, રૂતબો મળ્યો તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો મોટો ફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ મોટા સ્થાન પર હોય ત્યારે તેને લીધેલા નિર્ણયની સમાજ પર અસર થતી હોય એટલે વિચારીને પગલું ભરવું જોઈએ. અન્ય એક પાટીદાર આગેવાને પણ આરતીના નિર્ણય અંગે બળાપો ઠાલવ્યો હતો.માહિતી મુજબ સોશિયલ મીડિયા પર લોકો, આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો વગેરેની માંગણી કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp