03/04/2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર, વનતારાનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ PMએ વનતારાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. વનતારા 2000થી વધુ પ્રજાતિઓ અને દોઢ લાખથી વધુ બચાવવામાં આવેલા લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પ્રાણીઓનું ઘર છે. PM મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓ વિશે માહિતી મેળવી. સાથે જ અલગ-અલગ જગ્યાએથી રેસ્ક્યૂ કરાયેલા પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ પાસે જઇને તેમને ખવડાવ્યા અને સ્નેહ કર્યો. વડાપ્રધાને વનતારા ખાતે વન્યજીવન હૉસ્પિટલની મુલાકાત લીધી. તેમાં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને અન્ય સુવિધાઓ છે અને તેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક ચિકિત્સા વગેરે વિભાગો પણ છે.
PM મોદી અહીં વિવિધ પ્રજાતિના સિંહ બાળો સાથે રમ્યા અને તેમને પ્રેમ કર્યો. આમાં એશિયાટિક વાઘના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, કારાકલ બચ્ચા અને ક્લાઉડેડ ચિત્તાના બચ્ચાનો સમાવેશ થાય છે. ક્લાઉડેડ ચિત્તો એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. PMએ જે સફેદ સિંહના બચ્ચાને દૂધ પીવાડ્યું હતું, તેમનો જન્મ કેન્દ્રમાં ત્યારે થયો હતો, જ્યારે તેમની માતાને રેસ્ક્યૂ કરીને વનતારામાં લાવવામાં આવી હતી. ભારતમાં એક સમયે કારાકલની સંખ્યા ઘણી બધી હતી, પરંતુ હવે તે દુર્લભ બની રહી છે. કારાકલને એક સંવર્ધન કાર્યક્રમના ભાગ રૂપે વનતારામાં ઉછેરવામાં આવે છે અને તેમના સંરક્ષણ માટે તેમને કેદમાં રાખવામાં આવે છે અને પછીથી જંગલમાં છોડી દેવામાં આવે છે.