પ્રેમ લગ્ન કરનારાઓ ચેતી જજો! આ સમાજે બનાવ્યા કડક નિયમો, કોઈ સમર્થન પણ નહીં કરી શકે!જાણો સંપૂર્ણ વિગતો
તાજેતરમાં જ ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને ઘણાં વિવાદો ચર્ચામાં આવ્યા હતા. જે મુદ્દે અલગ અલગ સમાજોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારે હવે પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના હજારો લોકોની ઉપસ્થિતિમાં વિશાળ બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે સમાજ માટે એક મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત અહીં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સમાજના હિત માટે મચ પર એકસાથે જોવા મળ્યા હતા.
ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારા, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ,વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણના પ્રસાર માટે બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. ગેનીબેનએ આ બંધારણની ઘોષણા કરતાં કહ્યું હતું કે, આ 16 મુદ્દાઓનો જે ભંગ કરે તો સગા ભાઈએ પણ ભાઈના પ્રસંગમાં હાજરી ન આપવી. આ સાથે તેણીએ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે ‘સદારામ ધામ’ બનાવવાની જાહેરાત પણ કરી હતી. જેમાં ગેનીબેન ઠાકોરે એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મહાસંમેલનમાં પહોંચેલા ગાંધીનગર ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પણ સમાજના બંધારણને વધાવી હાંકલ કરી હતી કે, બંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલા આગેવાનોને શપથ લેવડાવવી જોઈએ. ઉપરાંત અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વ્યસન કરનારના ઘરે દીકરી ન આપવાની કડક અપીલ કરું છું. વ્યસન હોય તો વાંઢા મરી જાઓ પણ દીકરીની જિંદગી ન બગાડો. બીજા સમાજના સમોવડીયા બનતા શીખવું પડશે. શૈક્ષણિક ધામ બનાવીશું. તમામ જગ્યા પર સમાજ શૈક્ષણિક સંસ્થા બનાવીશું. પણ ત્યાં દીકરા દીકરીને મોકલશે કોણ. એ નથી થતું. એ કરવું પડશે તો જ સમાજ આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે 4 જાન્યુઆરી 2027ના રોજ વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ થઈ હતી. મહત્વનું છે કે, રાજકારણથી ઉપર ઊઠીને સમાજ સુધારાના સંદેશ સાથે ઓગડની આ બેઠક ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp