01/17/2025
શું માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ચૂપચાપ પ્રયાગરાજમાં થઇ રહેલા ભવ્ય મહાકુંભમાં પહોચ્યા છે? આમ તો મહાકુંભમાં મોટી-મોટી હસ્તીઓનું આવવું કોઇ નવી વાત નથી. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ વિશેના સમાચાર તો તમે વાંચ્યા જ હશે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને શેર કરતા કેટલાક લોકો કહી રહ્યા છે કે, 'જુઓ બિલ ગેટ્સ પણ કઇ રીતે મહાકુંભમાં પહોચી ચૂક્યા છે.
તો પિંકવિલા અને જાણીતા પેપરાજી વિરલ ભાયાણીએ આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'મહાકુંભ વચ્ચે બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરતા નજરે પડ્યા.' વીડિયોમાં વિદેશીઓનું એક ગ્રુપ એક ઇમારતના છજ્જા પર ઊભું છે. તેમાંથી એક વ્યક્તિ કાલા ચશ્મા અને કમીઝ-પેન્ટ પહેરીને છે, જેને લોકો બિલ ગેટ્સ કહી રહ્યા છે. ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ વીડિયો નવેમ્બર 2024નો છે, જેને કાશીના મણિકર્ણિકા ઘાટ પર બનાવવામાં આવ્યો હતો. સાથે જ વીડિયોમાં નજરે પડી રહેલી વ્યક્તિ બિલ ગેટ્સ નથી, પરંતુ એક વિદેશી પર્યટક છે.