કોવિડ POSITIVE : ઘરેઘરે કોરોનાની દવાઓ પહોંચાડી દેહરાદૂનના પોલીસ મેન બન્યા ‘મેડિસિન મેન’

કોવિડ POSITIVE : ઘરેઘરે કોરોનાની દવાઓ પહોંચાડી દેહરાદૂનના પોલીસ મેન બન્યા ‘મેડિસિન મેન’

05/08/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

કોવિડ POSITIVE : ઘરેઘરે કોરોનાની દવાઓ પહોંચાડી દેહરાદૂનના પોલીસ મેન બન્યા ‘મેડિસિન મેન’

દેહરાદૂન : મનીષ પંત (Manish Pant) તેમનું નામ છે. તેઓ ઉત્તરાખંડ પોલીસના ફાયર વિભાગમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે. પરંતુ આ દિવસોમાં તેમણે સ્વયં કોરોના યોદ્ધાની જવાબદારી સંભાળી લીધી છે. દહેરાદૂનમાં કોઈ વૃદ્ધ હોય, બીમાર હોય, ગર્ભવતી સ્ત્રી હોય કે પછી એવી લાચાર વ્યક્તિ હોય જેને આ મહામારીમાં જરૂરી દવાઓ ખરીદવા બહાર જઈ શકતી ન હોય તેમના માટે મનીષ સંકટમોચક બની ગયા છે. અસહાય અને મજબૂર લોકોના ઘરે ઘરે જઈને તેઓ જરૂરી દવાઓ પહોંચાડવાનું કામ કરીને અઢળક પુણ્ય મેળવે છે.

મનીષના ફેસબુક પેજ ‘ઓપરેશન સંજીવની’ પર લખ્યું છે : ‘માનવ જીવનની રક્ષા કરવા માટે અમે તૈયાર છીએ. કોરોનાના આ મુશ્કેલ સમયમાં સિનિયર સીટીઝન્સ અને ગર્ભવતી સ્ત્રીઓ ઘરની બહાર ન નીકળે. દેહરાદૂનમાં જો કોઈને દવાઓની જરૂર હોય તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અમને ઇન્બોક્સમાં મોકલો. અમે તમારી જીવનદાતા દવાઓને તમારા ઘરે પહોંચાડી દઈશું.’ આ પેજ ઉપર લોકો પોતાની જરૂરિયાતની દવાઓ માટે મદદ માગી શકે છે. મનીષના આ પ્રયાસને દહેરાદૂનના લોકોએ હોંશેહોંશે વધાવી લીધો છે અને તેઓ મનીષની મદદ મેળવીને બદલામાં તેમને આશીર્વાદ આપી રહ્યા છે.

પડોશમાં રહેતી સ્ત્રી મનીષના ‘ઓપરેશન સંજીવની’નું વિચારબીજ બની

મનીષને એકાએક ‘ઓપરેશન સંજીવની’નો વિચાર તેમના પડોશમાં રહેતી એક સ્ત્રીની સ્થિતિ જોઈને આવ્યો. 22 માર્ચના દિવસે તેમની એ પાડોશી સ્ત્રીનું બીપી અચાનક જ વધી ગયું. તેના માટે મનીષ મહંત ઇન્દિરેશ હોસ્પિટલમાંથી બીપીની દવા લઈ આવ્યા. એ જ દિવસે દેહરાદૂનમાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું. આ સ્થિતિ વચ્ચે મનીષને એકાએક વિચાર આવ્યો કે, ગામડાંઓમાં આવા અનેક વૃદ્ધ લોકો હશે, અનેક સ્ત્રીઓ હશે જેમને આ કટોકટીના સમયમાં દવાઓની જરૂર હશે. આ એક વિચારે મનીષને ફેસબુક પેજ બનાવવા પ્રેરિત કર્યા.

વિપરીત પરિસ્થિતિઓમાં દવાઓ પહોંચાડીને બન્યા ‘મેડિસિન મેન’

મનીષે કહ્યું હતું કે, ‘એક દિવસ ઉત્તરકાશીના બનચોરાથી અમને ફેસબુક ઉપર એક મેસેજ આવ્યો કે ગામમાં બે લોકોને દવાની જરૂર છે. અમે લોકોએ ગમે તેમ કરીને દવાઓ તો એકઠી કરી લીધી પરંતુ સૌથી મોટી મુશ્કેલી દવાઓને દર્દીઓ સુધી પહોંચાડવાની હતી. અમે અખબાર લઈ જતી એક ટેક્સી દ્વારા એ દવાઓ ઉત્તરકાશી પહોંચાડી અને ત્યાં ફાયર વિભાગમાં કામ કરતા મિત્ર રવિકાંતને અમે ફોન કરીને દવાઓ મેળવી લેવા કહ્યું. રવિકાંતે બાઈક પર દવાઓ ધરાસૂ સુધી પહોંચાડી અને ત્યાંથી તે બનચોરામાં દર્દીઓ સુધી પહોંચી.’ આવી અનેક પરિસ્થિતિઓમાં મનીષે લોકોને દવાઓ પહોંચતી કરી તેને કારણે તેઓ ઉત્તરાખંડમાં ‘મેડિસિન મેન’ તરીકે ઓળખાય છે. તેમણે અત્યાર સુધી હલ્દવાની, ગ્વાલદમ અને હરિદ્વારમાં 30થી વધુ લોકોની મદદ કરી છે.

બોલિવુડ એક્ટર વિદ્યુત જામવાલે વખાણ કર્યાં હતાં

મેડિસિન મેન મનીષની વાત છેક બોલિવુડ એક્ટર વિદ્યુત જામવાલ સુધી પહોંચી હતી. તેમણે આ નેક કામ માટે મનીષના વખાણ કર્યાં હતાં અને તેમને વધુ નેક કામ કરવાની પ્રેરણા આપી હતી. મનીષ અત્યાર સુધીમાં અલ્મોડા, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, ઉત્તરકાશી, ચમોલી અને દેહરાદૂનના લોકોને દવાઓ પહોંચાડી ચૂક્યા છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top