દિગ્વિજય સિંહે ફક્ત RSSની પ્રશંસા કરી હતી, થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું!
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રશંસા કરવા બદલ પોતાના જ પક્ષ તરફથી ટીકાનો ભોગ બનેલા દિગ્વિજય સિંહને શશિ થરૂરનો ટેકો મળ્યો છે. કોંગ્રેસના 140મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં થરૂરને દિગ્વિજય સિંહની બાજુમાં બેઠા જોવા મળ્યા હતા. તેમણે આ ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો. બાદમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ દિગ્વિજય સિંહના વિચારો સાથે સહમત છે, ત્યારે થરૂરે કહ્યું કે, ‘હા, હું પણ ઇચ્છું છું કે અમારું સંગઠન વધુ મજબૂત બને, અને તેના માટે પાર્ટીમાં શિસ્ત હોવું જોઈએ.’
થરૂરે આગળ કહ્યું કે, ‘આ એકદમ તાર્કિક વાત છે. પરંતુ આ બધા પ્રશ્નો દિગ્વિજય સિંહને પૂછવા જોઈએ. તેઓ જ આ અંગે બોલી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દિગ્વિજય સિંહ સાથે બેસેલા થરૂરની તેમની સાથે શું વાતચીત થઈ? ત્યારે તેમણે કહ્યું કે, ‘અમે (થરૂર અને દિગ્વિજય સિંહ) મિત્રો છીએ, અને વાત કરવી સ્વાભાવિક છે. સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. તેમાં કોઈ શંકા નથી.’
જોકે, શશિ થરૂર પોતે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના નિર્ણયોની પ્રશંસા કરીને પોતાના જ પક્ષના સભ્યોના નિશાના પર આવ્યા છે. હવે, તેઓ આવી જ પરિસ્થિતિમાં ફસાયેલા દિગ્વિજય સિંહના ‘હમદર્દ’ બની ગયા છે.
આ સમગ્ર વિવાદ દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો હતો, જેમાં તેમણે ક્વોરામાંથી એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે દેખાય છે. આ પોસ્ટ સાથે, દિગ્વિજય સિંહે લખ્યું હતું કે, ‘મને આ ફોટો ક્વોરા પર મળ્યો. તે ખૂબ જ પ્રભાવશાળી છે. કેવી રીતે એક પાયાના RSS સ્વયંસેવક અને જન સંઘ-ભાજપ કાર્યકર (નરેન્દ્ર મોદી) નેતાઓના ચરણોમાં બેસીને રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન બન્યા. આ સંગઠનની શક્તિ છે. જય સિયા રામ.’
કોંગ્રેસના એક નેતા દ્વારા RSSની સંગઠનાત્મક શક્તિની પ્રશંસાએ વિવાદ ઉભો થવાનો જ હતો. ‘જય સિયા રામ’ વાક્યએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. એવું માનવામાં આવતું હતું કે દિગ્વિજય સિંહ પોતાના ભાજપ તરફી નિવેદન દ્વારા પોતાની પાર્ટીને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બિહાર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ કાર્યકારી સમિતિની પહેલી બેઠક અગાઉ આ નિવેદન આવ્યું હતું. જોકે, દિગ્વિજયે પાછળથી પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેઓ ભાજપ અને RSSના કટ્ટર વિરોધી છે. એક નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આપણે ગોડસે જેવા ખૂનીઓ પાસેથી કંઈ શીખવાની જરૂર નથી.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp