.. તો આ કારણે પુતિન સાથે ડિનર માટે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેને આમંત્રણ ન અપાયું?
રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને તેઓ ડિનરમાં સામેલ પણ થયા હતા. અને નાણામંત્રીએ નિર્મલા સીતારમણ સાથે વાત કરતાં જોવા મળ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. હવે તેના પર એક પ્રતિક્રિયા સામે આવી છે.
રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો અનુસાર, રાજ્ય કાર્યક્રમોમાં આમંત્રણ કોઈ પણ પદાધિકારીનો વિશેષાધિકાર હોતો નથી. આવા આમંત્રણો આપતી વખતે એ પણ ધ્યાનમાં રાખવામા આવે છે કે, ભૂતકાળમાં સંબંધિત વ્યક્તિએ રાજ્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી કે નહીં. વિપક્ષના નેતા (LoP)એ પ્રજાસત્તાક દિવસ અને મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહ જેવા મહત્ત્વપૂર્ણ રાજ્ય કાર્યક્રમોમાં હાજરી આપી નહોતી. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કોઈને વ્યક્તિગત રીતે આમંત્રણ આપે છે, ત્યારે આમંત્રણનું સન્માન થવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે, કોઈને આમંત્રણ આપવું કે નહીં તે સંપૂર્ણપણે રાષ્ટ્રપતિ ભવનના વિશેષાધિકાર છે.
ભારત અને રશિયા વચ્ચે 19 કરારો પર હસ્તાક્ષર થયા છે. આ કરારોનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો છે. ભારત અને રશિયા વચ્ચે જહાજ નિર્માણ, ભારતીય ખલાસીઓને બર્ફીલા સમુદ્ર વિસ્તારોમાં નેવિગેટ કરવા માટે તાલીમ, નવી શિપિંગ લેનમાં રોકાણ અને નાગરિક પરમાણુ ઉર્જા પર આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ રશિયાને સૌથી નજીકના સાથીઓમાંથી એક તરીકે વર્ણવતા કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા ધ્રુવ તારા જેટલી અતૂટ છે. આ દરમિયાન પુતિને કહ્યું કે તેમની ટીમ ફક્ત તેલ અને ગેસ પર સોદાઓની ચર્ચા કરવા અથવા વાટાઘાટો કરવા માટે ભારત આવી નથી. તેઓ દરેક ક્ષેત્રમાં ભારત સાથે સંબંધો અને વેપાર વધારવા માગે છે.
આ અગાઉ પુતિને કહ્યું હતું કે તેમનો દેશ ભારતને અવિરત તેલ સપ્લાય કરવાનું ચાલુ રાખશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકા ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે. અમેરિકાએ રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ પણ લાદ્યો છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે રશિયન તેલ અને શસ્ત્રો ખરીદીને, ભારત યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને ફાયદો કરાવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp