ધર્મેન્દ્રની ચિરવિદાય: દેશ-વિદેશના કરોડો ફેન્સ શોકમાં ગરકાવ
બોલીવુડના સુપર સ્ટાર અને ભારતના પ્રથમ એક્શન હીરો કહી શકાય એવા ધર્મેન્દ્રએ આજે ચીરવિદાય લીધી. એમના અવસાનથી દેશ-વિદેશના અસંખ્ય ચાહકો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ધર્મેન્દ્રએ છેલ્લા સાતેક દાયકાઓ દરમિયાન અનેક પેઢીઓનું મનોરંજન કર્યું હતું. ધરમ પા’જી એક એવા હીરો હતા, જેમના ફેન્સ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના જમાનાથી માંડીને અત્યારની લેટેસ્ટ જનરેશન સુધી જોવા મળે છે.
હી-મેન, ગરમ ધરમ અને પા’જી: લોકો અનેક નામે આ લાડલા હીરોને વધાવી લેતા ધર્મેન્દ્રનું આખું નામ હતું ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ દેઓલ. તેઓ ૫ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ પંજાબમાં જન્મ્યા હતા. તેમના ૬૦ વર્ષથી વધુ લાંબા કરિયરમાં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'ફૂલ અને પત્થર', 'શોલે', 'ધર્મવીર', 'યાદોં કી બારાત', 'મેરા ગામ મેરા દેશ' અને તાજેતરની 'ઈક્કિસ' જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. જુસ્સાવાળો અભિનય અને એક્શનની સ્ટાઇલે ધર્મેન્દ્રને ‘હિ-મેન'નું બિરુદ અપાવ્યું. પંજાબની માટીમાંથી આવતા હોવાને કારણે લોકો લાડથી એમને ધર્મ પા’જી તરીકે પણ ઓળખતા. અનેક ફિલ્મોમાં એક્શન રોલ્સ અને જાનદાર સંવાદોને કારણે પડેલી ‘ગરમ ધરમ’ તરીકેની એમની છાપ પણ પ્રેક્ષકોને પ્યારી હતી.
૨૦૧૨માં ધરમ પા’જીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ વર્ષે એપ્રિલમાં તેમણે આંખની સર્જરી પણ કરાવી હતી. આવતી 8 ડિસેમ્બરે ધર્મેન્દ્ર 90 વર્ષના થયા હોત. હિન્દી ફિલ્મોમાં અમિતાભ જે રીતે ‘મહાનાયક’ની ઓળખ પામ્યા, એ જ રીતે ધર્મેન્દ્ર લોકોના લાડલા હીરો તરીકેનો પ્રેમ પામ્યા. કદાચ એટલે જ આજે જેન ઝીના જમાનામાં પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોથી અભિનય કરી રહેલા ધર્મેન્દ્ર માટે પ્રાર્થના કરનારા અસંખ્ય ફેન્સ મોજૂદ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp