મુંબઈ : પ્રસિદ્ધ કોમેડી શો ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ની લેખકટીમના સભ્ય અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા અહેવાલ મુજબ કાંદીવલી ખાતેના ફ્લેટમાં ગત 27 નવેમ્બરે 37 વર્ષીય અભિષેક લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. અભિષેકે આત્મહત્યા પહેલાં ગુજરાતીમાં સ્યુસાઈડ નોટ લખીને પરિવારને જણાવ્યું હતું કે, તેઓ નાણાંભીડની પરિસ્થિતિ સામે લડી શક્યા નથી. પોલીસે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે, અભિષેકે નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ પરિવારજનો કહે છે કે, તે છેતરપીંડીનો શિકાર બન્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં છેતરપીંડીના કોઈ પુરાવા હજી સુધી મળ્યા નથી. જોકે અભિષેકના પરિવારજનોનું માનવું છે કે અભિષેકને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અભિષેકના મૃત્યુ બાદ ફ્રોડ લોકો તેમને ફોન કરી કરીને પૈસા ઉઘરાવી રહ્યા છે. અભિષેકના ભાઈ જેનીસે કહ્યું કે, તેમણે અભિષેકના ઈ-મેલ જોયા ત્યારે જાણવા મળ્યું કે તે કોઈક નાણાકીય છેતરપીંડીનો ભોગ બન્યો હોવો જોઈએ. તેમણે કહ્યું કે, અભિષેકને એક ‘ઇઝી લોન’ નામની એપ દ્વારા નાની નાની રકમની લોન આપવામાં આવતી હતી. જેનીસે કહ્યું કે, અભિષેકે લોન માટેની કોઈ અરજી ન કરી હોવા છતાં તેઓ 30 ટકાના વ્યાજદરે તેને લોન આપતા હતા.
જેનીસે આગળ કહ્યું કે, જ્યારથી લોન આપનારને અભિષેકના નિધનની જાણ થઈ છે ત્યારથી તેઓ અમને વારંવાર ફોન કોલ કરીને પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. આ નંબરમાંથી એક નંબર બાંગ્લાદેશનો છે, બીજો મ્યાનમારનો છે અને બાકીના નંબરો ભારતના છે. જેનીસે અભિષેકનો મોબાઇલ ચેક કર્યો તો તેમાં આવેલા મેસેજમાં ધમકીઓ આપવામાં આવી હતી કે જો અભિષેક લોન ચૂકતે નહીં કરે તો તેમની પર્સનલ માહિતી તેમના મિત્રો સાથે શેર કરી દેવામાં આવશે.
જોકે પોલીસનું કહેવું છે કે, તેમની પ્રાથમિક તપાસમાં છેતરપીંડીના પુરાવા હજી સુધી મળ્યા નથી. પોલીસને પરિવારજનોએ તમામ નંબર અને બેન્ક વ્યવહારોની માહિતી આપી દીધી છે. આ ઉપરાંત પોલીસને કંપની તરફથી કોઈ હેરાનગતિ થઈ હોય તેવા પણ પુરાવા જાણવા મળ્યા નથી. છતાં પોલીસની તપાસ ચાલુ છે. પોલીસે કહ્યું છે કે, જો કંપની વિરુદ્ધ કોઈ પુરાવા મળશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે. અભિષેકના પરિવારજનોની શંકા મજબુત થઈ રહી છે કે અભિષેકને સાયબર ફ્રોડનો ભોગ બનાવવામાં આવ્યો છે.