03/12/2022
Special Story : એક મોટીવેશનલ સ્પીકર સરસ મજાના ઈસ્ત્રીટાઈટ કપડા પહેરી, પ્રભાવક બોડી લેન્ગ્વેજ સાથે, પોતાની વાત રજૂ કરે. એની વાક્છટાનો જાદુ એવો હોય કે એણે કીધેલી સાવ સામાન્ય વાત પણ તમને ‘ગ્લેમરસ’ લાગે! તમારું મન એવું માનવા મજબૂર થઇ જાય, કે આ ભાઈ/બહેન જે બોલી રહ્યા છે, એ જ જીવનનું અંતિમ સત્ય છે. જો આટલું પચાવી લેશું તો સુખ આપણું ગુલામ બનીને રહેશે! જો કે આ બધો જાદુ હોલમાંથી બહાર નીકળીએ એના થોડા જ સમયમાં ઓસરી જતો હોય છે. વાસ્તવિક દુનિયા કઠોર છે. અંતિમ સત્ય એ છે કે અહીં ઈસ્ત્રીટાઈટ કપડા કે વાક્છટા કરતા વધુ કામ આવે છે તમારી કોઠાસૂઝ, ગમે એવા સંઘર્ષમાં ટકી રહેવાનું તમારું ઝનૂન, અને પોતાના લોકો પર- ઈશ્વર પર અખૂટ શ્રદ્ધા! અને એટલા માટે જ ગમે એવા મહાન ઉપદેશક કરતા જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે ઝઝૂમનાર સામાન્ય વ્યક્તિની વાતો વધુ ઉપયોગી સાબિત થાય છે. કમનસીબે આવા જ એક યુવાને થોડા દિવસો પહેલાજ નશ્વર દેહ ત્યજીને અનંતની વાટ પકડી. એનું નામ હાર્દિક કલ્પદેવ પંડ્યા. લગભગ જન્મથી જ અનેક શારીરિક તકલીફો વેઠનાર હાર્દિકે બહુ નાની ઉંમરે વિદાય લીધી, પણ પોતાના સંઘર્ષો થકી એણે પ્રકટાવેલી ચેતના, બીજા અનેક હિંમત હારી બેઠેલા લોકોનો જીવનપથ ઉજાળતી રહેશે. સાહિત્ય સર્જન ક્ષેત્રે પા-પા પગલી માંડી રહેલા યુવા લેખિકા મીરાં જોષી હાર્દિક પંડ્યા વિશેના પોતાના સંસ્મરણો અહીં આપણી સાથે વહેંચી રહ્યા છે.