ભારતની આ 'સુપરહીરો' વૃધ્ધાએ શ્રમિકોને માત્ર ૧ રૂપિયામાં જમાડ્યા!

ભારતની આ 'સુપરહીરો' વૃધ્ધાએ શ્રમિકોને માત્ર ૧ રૂપિયામાં જમાડ્યા!

05/27/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ભારતની આ 'સુપરહીરો' વૃધ્ધાએ શ્રમિકોને માત્ર ૧ રૂપિયામાં જમાડ્યા!

કોરોનામાં અમેરિકાની હાલત ખસ્તા થઇ ગઈ ત્યારે સોશિયલ મીડિયામાં એક જોક વાઈરલ થયેલો. "ક્યાં ગયા અમેરિકાના પેલા સુપર હીરોઝ, જે દર બીજી હોલીવુડ મૂવીમાં દુનિયાને બચાવી લેતા હતા?!" જોક્સ અપાર્ટ, આપણે સમજીએ છીએ કે સ્પાઈડરમેન, સુપરમેન, આયર્નમેન જેવા ઢગલેબંધ સુપરહીરો કોમિક્સના પાત્રોથી વધુ કશું નથી. વાસ્તવિક દુનિયામાં એમનું કોઈ અસ્તિત્વ નથી. અહીં આપણો સંઘર્ષ આપણે જાતે જ કરવાનો છે. જો કે બીજી તરફ ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુથી એવા સમાચાર જાણવા મળ્યા છે કે કમસેકમ ભારતમાં તો સુપરહીરો વાસ્તવમાં છે જ, એવું માની લેવાનું મન થાય.

વાત ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં આવેલા કોઈમ્બતૂર શહેરની છે. અહીં કમલાથલ નામની ૮૫ વર્ષની એક ડોશી રહે છે. આપણે એને 'કમલા અમ્મા'ને નામે ઓળખીશું. કેમકે આ વૃધ્ધાએ બિલકુલ એક માં ને છાજે એવી મમતાથી ભૂખ્યા શ્રમિકોને જમાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યની અને કેન્દ્રની સરકારો શ્રમિકોને ઘરે પહોંચાડવા જેવી બાબતે પણ કામ ઓછું કરે છે અને રાજકારણ વધુ રમતી હોય, એવું ચિત્ર ઉપસે છે. બીજી તરફ કેટલાય શ્રમિકો નોકરી અને ઘરની વચ્ચે ભૂખે મરી રહ્યા છે. કાળા ડિબાંગ અંધકાર જેવી આ દુઃખદ પરિસ્થિતિમાં કમલા અમ્મા નાનકડા ઘરદીવડા માફક ટમટમી રહ્યા છે.

કમલા અમ્માને સ્વાદિષ્ટ ઈડલી બનાવતા આવડે. અત્યારે ભૂખ્યા પેટે રખડતા શ્રમિકોને જોઈને જીવનના આઠ દાયકા વિતાવી ચૂકેલી આ ડોશીનું હૃદય દ્રવી ઉઠ્યું. એણે નક્કી કર્યું કે કોઈ પણ શ્રમિક પેટ ભરવા ઈચ્છે તો એને માત્ર એક રૂપિયામાં એક ઈડલી આપવી! આટલી ઓછી કિંમતે ધંધો કરવા કોણ રાજી થાય? એ ય આવા લોકડાઉનના સમયમાં! પણ કમલા અમ્માએ આ બીડું ઝડપ્યું. આ નિર્ણયને કારણે ઈડલી બનાવવાના એના નાનકડા ધંધાને મોટું નુકસાન જાય એમ હતું. પણ મમતા જાગી હોય એ ક્યાં નફો-નુકસાન વિચારે? કમલા અમ્માએ તો થાય એટલું કરીશું એમ વિચારીને શ્રમિકોને જમાડવા માંડ્યા.


સોશિયલ મીડિયા વ્હારે ધાયું

સોશિયલ મીડિયા વ્હારે ધાયું

આ આખી વાત કોઈકે સોશિયલ મીડિયામાં લખી અને પછી તો એ આગની જેમ વાઈરલ થઇ. પછી લોકોને ખબર પડી, કે શ્રમિકોને મફતના ભાવે ઈડલી જમાડીને કમલા અમ્મા હમણાં લાઈમ લાઈટમાં આવ્યા એટલું જ, બાકી એ છેલ્લા ત્રીસેક વર્ષથી ગરીબો માટે માત્ર એક જ રૂપિયામાં એક ઈડલી વેચે છે! ગરીબોને પરવડે એટલા ખાતર એમણે ક્યારેય ઈડલીનો ભાવ નથી વધાર્યો! પોતે જ પોતાના ઘરે ઈડલી બનાવે, જેથી પ્રોડક્શન કોસ્ટ સાવ ઓચ્છી થઇ જાય, અને પછી માત્ર એક રૂપિયામાં એ ઈડલી વેચે! જો કે લોકડાઉનના આ સમયમાં કમલા અમ્માને ઈડલીનું પ્રોડક્શન મેનેજ કરવામાં થોડી તકલીફો પડી રહી હતી.

આજના જમાનામાં લોકો ગમે એટલા સ્વાર્થી હોય, પણ હરેકના દિલમાં ક્યાંક રામ વસેલો જ હોય છે. આવી નાનકડી ઘટના એ રામને જગાડવા પૂરતી થઇ પડે છે. કમલા અમ્માની સ્ટોરી વાંચીને અનેકના હૈયા ભીંજાયા. અનેક લોકોએ કમલા અમ્માને ઈડલી સંભાર માટેની સામગ્રી પહોંચતી કરી. સેલિબ્રિટી શેફ ગણાતા વિકાસ ખન્નાએ પણ ટ્વિટ કરીને કમલા અમ્માને ૩૫૦ કિલોગ્રામ ચોખા પહોંચતા કરવાની તૈયારી બતાવી છે. એવું લાગે છે કે હવે માત્ર એક જ રૂપિયાની સસ્તી ઈડલી વેચવામાં કમલા અમ્માને કોઈ તકલીફ નહિ પડે.


રિઅલ સુપર હીરો

રિઅલ સુપર હીરો

કમલા અમ્મા વિષે જાણીને એવું સમજાય છે કે દરેક સુપરહીરો રંગીન કોસ્ચ્યુમ્સ અને જાતજાતના ગેજેટ્સ ધારણ કરીને હવામાં ઉડતો હોય એવું જરૂરી નથી. કેટલાક 'રિયલ સુપર હીરોઝ' આપણી આસપાસ એકવડિયો બાંધો, લઘરવઘર કપડા અને કરચલીવાળો ચહેરો લઈને ફરતા ય જોવા મળી શકે છે!

કમલા અમ્માને નમન!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top