PM પદના શપથ લઈને ફસાયા સુશીલા કાર્કી, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ; જાણો શું છે મામલો

PM પદના શપથ લઈને ફસાયા સુશીલા કાર્કી, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ; જાણો શું છે મામલો

12/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

PM પદના શપથ લઈને ફસાયા સુશીલા કાર્કી, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ; જાણો શું છે મામલો

નેપાળમાં GEN-Zના આંદોલન બાદ વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લેનારા સુશીલા કાર્કી અને તેમની સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બુધવારે, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના પક્ષ, CPN (UML) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીને કારણદર્શક નોટિસ જાહેર કરી હતી. 12 સપ્ટેમ્બરના રોજ સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના નિર્ણય અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.


કોર્ટે શું કહ્યું?

કોર્ટે શું કહ્યું?

ન્યાયાધીશ પ્રકાશમાન સિંહ રાઉતની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે વચગાળાની સરકાર, રાષ્ટ્રપતિ કાર્યાલય અને એટર્ની જનરલ કાર્યાલયને 7 દિવસની અંદર લેખિતમાં જવાબો રજૂ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસની સુનાવણી સંસદ ભંગ અને વચગાળાની સરકારની રચના સંબંધિત અગાઉના તમામ કેસોની સાથે કરવામાં આવશે. અરજીમાં મુખ્ય દલીલો છે કે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીની વડાપ્રધાન તરીકે નિમણૂક બંધારણના અનુચ્છેદ 76 અને 132(2)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે, કારણ કે બંધારણમાં ફક્ત સંસદ સભ્ય અથવા ભૂતપૂર્વ સંસદ સભ્ય જ વડાપ્રધાન હોય શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે સુશીલા કાર્કી ક્યારેય સંસદ સભ્ય નહોતા, અને તેથી તેમની નિમણૂક સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

અરજીમાં માગ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ દ્વારા સંસદનું વિસર્જન અને વચગાળાની સરકારની રચના ગેરકાયદેસર છે. વચગાળાના મંત્રીમંડળના તમામ નિર્ણયો રદ કરવામાં આવે અને સંસદ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે. અરજદારોએ સમગ્ર વચગાળાની સરકારને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવી છે.

9 સપ્ટેમ્બર, 2025ના રોજ, 'GEN-Z'ની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં પ્રદર્શનો હિંસક બન્યા હતા. બે દિવસની હિંસામાં 76 લોકો મૃત્યુ પામ્યા. દબાણ હેઠળ, કે.પી. શર્મા ઓલીને વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા.

12 સપ્ટેમ્બરે ભૂતપૂર્વ નેપાળી ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તે દિવસે તેમની ભલામણ પર પ્રતિનિધિ ગૃહનું વિસર્જન કર્યું હતું. જોકે, કોર્ટે હવે નોટિસ આપીને કારણ પુછ્યું છે. નેપાળની વચગાળાની સરકારે આગામી સામાન્ય ચૂંટણી માટે 5 માર્ચ 2026ની તારીખ નક્કી કરી છે.


સુશીલા કાર્કીનો SCને જવાબ

સુશીલા કાર્કીનો SCને જવાબ

ઓલીના પક્ષ, CPN (UML) ઉપરાંત, ઘણા સ્વતંત્ર વકીલો અને નાગરિક સમાજ જૂથોએ સંસદના વિસર્જન સામે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. બધાનો એક જ પ્રશ્ન છે: શું બંધારણની બહાર જઈને ભૂતપૂર્વ ન્યાયાધીશને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવા અને સંસદનું વિસર્જન કરવું એ લોકશાહીની હત્યા નથી? નિષ્ણાતોનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ વચગાળાની સરકારને ગેરબંધારણીય જાહેર કરે છે, તો નેપાળ ફરી એકવાર ગંભીર બંધારણીય કટોકટીનો સામનો કરી શકે છે.

આ મામલે હવે સુશીલા કાર્કીએ સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી રજૂઆતમાં વડાપ્રધાન સુશીલા કાર્કીએ તાજેતરના Gen-Z બળવા માટે સંસદ અને સરકારની સામૂહિક નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે, જેના કારણે તેમને સરકારના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 10 વર્ષ પહેલાં બંધારણ લાગુ થયું ત્યારથી જ સંસદ જવાબદાર સરકારની નિમણૂક કરવામાં નિષ્ફળ જવાથી "જાહેર અસુરક્ષા" ની પરિસ્થિતિ ઊભી થઈ, એમ પીએમ કાર્કીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રપતિ દ્વારા છ મહિનાની અંદર કાર્યકારી સંસદની પસંદગી કરવા માટે બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને મને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને કોઈપણ અવરોધ દેશમાં વધુ અનિશ્ચિતતાઓ ઊભી કરશે'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top