SIR પ્રક્રિયા સાથે જોડાયેલા બે BLOએ ટૂંકાવ્યું જીવન
કેરળના કન્નુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે એક દુ:ખદ ઘટના બની છે. પય્યાનુરની એક સરકારી શાળામાં કામ કરતો અનિશ જ્યોર્જ તેના ઘરમાં લટકતો મળી આવ્યો હતો. તે ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે કામ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેનો મૃતદેહ તેના ઘરના પહેલા માળના હોલમાંથી મળી આવ્યો હતો.
પરિવાર અને સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને કારણે અનિશ છેલ્લા ઘણા દિવસોથી કામના ભારે દબાણ હેઠળ હતો. FIRમાં એ પણ ઉલ્લેખ છે કે તે લાંબા સમયથી પ્રેશરમાં રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. PTI અનુસાર, અનિશના નજીકના મિત્ર શ્યામે જણાવ્યું હતું કે, ‘તે રાત્રે 2:00 વાગ્યા સુધી ચૂંટણી સંબંધિત ફોર્મ ભરવા અને તેને ક્ષેત્રમાં વહેચવાનું કામ કરતો હતો. પરિવાર કહે છે કે તે ભારે કામ અને તણાવમાં હતો.
આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. CPI(M) નેતા એમ.વી. જયરાજને કહ્યું કે પાર્ટી લાંબા સમયથી BLO પર વધતા ભારણ સામે અવાજ ઉઠાવી રહી છે. વધુ પડતા કામના ભારણને કારણે તેઓ કદાચ લાચાર અનુભવી રહ્યા હતા. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.’
કોંગ્રેસ નેતા રિજિલ મક્કુટ્ટીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ SIR લાગુ કરીને ભાજપના એજન્ડાને અનુસરી રહ્યું છે, અને અનીશ તેનો પીડિત બન્યો છે. જયરાજને માગ કરી હતી કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સુધી રાજ્યમાં SIR પ્રક્રિયા બંધ કરવામાં આવે.
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) રથન યુ. કેલકરે કહ્યું કે કન્નુર જિલ્લા કલેક્ટર પાસેથી વિગતવાર રિપોર્ટ માગવામાં આવ્યો છે. પોલીસ તપાસ ચાલી રહી છે. કેલકરે કહ્યું કે BLOને 31 દિવસથી ફક્ત SIR સંબંધિત કામ સોંપવામાં આવ્યું છે અને અત્યાર સુધી કોઈપણ અધિકારી તરફથી કામના દબાણની કોઈ ફરિયાદ મળી નથી. તેમણે ખાતરી આપી કે તપાસમાં તમામ હકીકતો બહાર આવશે.
તો રાજસ્થાનના જયપુરમાં પણ SIR પ્રક્રિયાથી હતાશાને કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લીધાના સમાચાર. તે એક સરકારી શાળાના શિક્ષક હતા અને BLO ના કામ માટે જવાબદાર હતા. ટ્રેન સામે કૂદી પડેલા શિક્ષકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. અહેવાલો અનુસાર, મૃતક શિક્ષકના સુપરવાઇઝર SIR પ્રક્રિયા દરમિયાન BLOની ફરજો બજાવવા માટે સતત દબાણ કરી રહ્યા હતા અને તેમને સસ્પેન્ડ કરવાની ધમકી આપી રહ્યા હતા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
કેરલ અને રાજસ્થાનની આત્મહત્યાએ ફરી એકવાર BLO અને ગ્રાઉન્ડ-લેવલ સ્ટાફના કાર્યભાર અને ચૂંટણી વ્યવસ્થાપનની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અને વહીવટીતંત્ર કેસની તપાસ કરી રહ્યું છે અને પરિવાર હાલમાં શોક અને આઘાતમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp