કોણ છે ડેલ્સી રોડ્રિગ્ઝ, જેઓ બન્યા વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ; નિકોલસ માદુરોએ 'સિંહણ' કહ્યા હતા
વેનેઝુએલામાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. અમેરિકન સૈન્ય દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, દેશના સુપ્રીમ ટ્રિબ્યુનલ ઓફ જસ્ટિસ (સુપ્રીમ કોર્ટ)એ ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા છે. કોર્ટે તેમને તમામ રાષ્ટ્રપતિ સત્તાઓનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ગેરહાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમને અમેરિકન દળો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા. અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટની બંધારણીય અદાલતે શનિવારે આદેશ જાહેર કર્યો હતો, જેમાં રોડ્રિગ્ઝને તાત્કાલિક અસરથી કાર્યકારી રાષ્ટ્રપતિની જવાબદારીઓ સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ડેલ્સી રોડ્રિગ્ઝ, જે 2018થી ઉપરાષ્ટ્રપતિ છે અને માદુરોના નજીકના સહયોગી છે. રાજ્ય ટેલિવિઝન પર એક સંબોધનમાં તેમણે માદુરોને વેનેઝુએલાના એકમાત્ર રાષ્ટ્રપતિ ગણાવ્યા અને યુએસ કાર્યવાહીની સખત નિંદા કરી. તેમણે માદુરો અને તેમની પત્ની, સિલિયા ફ્લોરેસને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી. રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે અમેરિકાનો હેતુ વેનેઝુએલાના તેલ અને કુદરતી સંસાધનો જપ્ત કરવાનો છે.
56 વર્ષીય ડેલ્સી રોડ્રિગ્ઝ, વેનેઝુએલાના લાંબા સમયથી ઉપરાષ્ટ્રપતિ છે. તેઓ માદુરોની નજીકના સહયોગી છે. તેમની પાસે પાસે અર્થતંત્ર, નાણાં અને તેલ વિભાગો પણ છે. તેમણે વિદેશ મંત્રી અને બંધારણ સભાના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. માનવાધિકાર ઉલ્લંઘન માટે ઘણા દેશોએ તેમના પર પ્રતિબંધો લાદ્યા છે.
તેઓ વેનેઝુએલાની સમાજવાદી સરકારમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક છે. તેમણે એક સાથે ઉપરાષ્ટ્રપતિ, નાણાં મંત્રી અને તેલ મંત્રી તરીકે સેવા આપી છે. માદુરોએ એક વખત તેમની સરકારના જોરદાર બચાવ માટે તેમને ‘સિંહણ’ કહ્યા હતા. કારાકાસમાં જન્મેલા, રોડ્રિગ્ઝ ડાબેરી ગેરિલા નેતા જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝના પુત્રી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 3 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે અમેરિકન સૈન્યએ કારાકાસમાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી છે અને તેમને અમેરિકા લઈ ગયા છે. માદુરો પર નાર્કો-આતંકવાદ, કોકેઈન આયાત અને શસ્ત્રોના આરોપો છે. તેમને ન્યૂયોર્કમાં ટ્રાયલનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા હાલ માટે વેનેઝુએલાને સંભાળશે અને નવા રાષ્ટ્રપતિ તરીકે રોડ્રિગ્ઝ સહયોગ કરશે. જોકે, રોડ્રિગ્ઝે માદુરોને દેશના એકમાત્ર કાયદેસર રાષ્ટ્રપતિ જાહેર કર્યા અને અમેરિકાના પગલાની નિંદા કરી. વેનેઝુએલાની સરકારે હાલમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. વિપક્ષી નેતાઓ મારિયા કોરિના મચાડો અને એડમંડો ગોન્ઝાલેઝે દાવો કર્યો હતો કે તેઓ 2024ની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા અને તેમને સત્તા મળવી જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp