અમેરિકન કોર્ટે H-1B વિઝા ફીમાં વધારા પર આપ્યો ચુકાદો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા ફી વધારવાના નિર્ણયને હવે કોર્ટે મંજૂરી આપી દીધી છે. અમેરિકાની ડિસ્ટ્રિક્ટ જજે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પે તેમના કાનૂની અધિકારમાં રહીને કાર્ય કર્યું છે. ટ્રમ્પના નિર્ણયને US ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર 2025માં H-1B વિઝા ફી વધારીને એક લાખ ડોલર કરવાનો આદેશ આપ્યો હતો. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ ફી અગાઉ આશરે 2,000 થી 5,000 ડોલર સુધીની હતી. વધેલી ફીને ભારતીય વ્યાવસાયિકો માટે મોટો આંચકો માનવામાં આવતો હતો, કારણ કે H-1B વિઝા પર નોકરી માટે અમેરિકા જતા મોટાભાગના ભારતીયો છે.
ટ્રમ્પના નિર્ણયને કોર્ટમાં પડકારતા US ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ પાસે આવી ફી લાદવાની શક્તિનો નહોતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આનાથી નાની કંપનીઓ માટે H-1B વિઝા ફી ખૂબ મોંઘી બનશે. જોકે, ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચેમ્બરની દલીલને ફગાવી દીધી. ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હોવેલે જણાવ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રપતિને અધિકાર આપતા સ્પષ્ટ કાનૂની નિયમ હેઠળ લેવામાં આવ્યો હતો. જજે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય ઇમિગ્રેશન ઘટાડવા અને વધુ અમેરિકન કામદારોને નોકરી પર રાખવાના પ્રયાસોને મજબૂત બનાવશે.
ડિસ્ટ્રિક્ટ જજે જણાવ્યું હતું કે અમેરિકન કોંગ્રેસે રાષ્ટ્રપતિને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દાઓમાં તેમના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા માટે વ્યાપક અધિકાર આપ્યો છે. જજે એમ પણ કહ્યું હતું કે આ એક રાજકીય નિર્ણય હતો અને તેના પર પક્ષકારોની ચર્ચા કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી નીતિગત નિર્ણયો કાયદાના દાયરામાં લેવામાં આવે છે, ત્યાં સુધી તેને ખોટા ઠેરવી નહીં શકાય.
જોકે, ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણય બાદ પણ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કાયદાકીય પડકારો યથાવત છે. US ચેમ્બર ઓફ કોમર્સ આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે. ચેમ્બરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ કાઉન્સેલ, ડેરિલ જોસેફરે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ કોર્ટના નિર્ણયથી નિરાશ છે અને વધુ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ અમેરિકન વ્યવસાયોને વૃદ્ધિ માટે જરૂરી વૈશ્વિક પ્રતિભા સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.
અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં વિદેશી કામદારોને હાયર કરવામાં આવે છે. હાલમાં અમેરિકા દર વર્ષે 65,000 વિઝા જાહેર કરે છે, જેમાં એડવાન્સ ડિગ્રી ધરાવતા કામદારો માટે વધારાના 20,000 વિઝા છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ફી વધારા અંગે હાલમાં અન્ય કેસ પણ ચાલી રહ્યા છે. આગામી મહિનાઓમાં અન્ય ન્યાયાધીશ હજુ પણ આ નીતિને રોકી શકે છે. આ વિવાદ US સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની પણ શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp