નર્મદાના એક ચાલુ કાર્યક્રમમાં ચૈતર વસાવા કલેકટર પર બાખડી પડ્યા, કહ્યું - મને આમંત્રણ કેમ નહિ..., જુઓ વિડિયો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિતના મંત્રી-સ્થાનિક આગેવન અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવાને કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ ન અપાતા તેઓ નર્મદા જિલ્લાના કલેક્ટર પર ગરમ થઇ ગયા હતા. ઉપરાંત ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરતા મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન મામલો વધુ ગરમાયો હતો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સ્કૂલના લોકાર્પણના ચાલુ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ નર્મદા કલેક્ટર અને અધિકારીઓનો ઉધડો લેતા પૂછ્યું હતું કે, 'હું આ વિસ્તારનો ધારાસભ્ય છું. મને આમંત્રણ કેમ નથી આપ્યું અને કાર્ડમાં મારુ નામ કેમ નથી. અમે સરકારી પ્રોગ્રામમાં થયેલા ખર્ચનો હિસાબ માંગીએ છીએ, એટલે અમને બોલાવવામાં નથી આવતા. આવું ચલાવી લેવામાં નહીં આવે. અમારા વિસ્તારમાં પ્રોગ્રામ થતો હોય અને અમને જ આમંત્રણ ના આપે એ નહીં ચાલે. મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો.' તેવામાં કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિ બુમો પાડીને ભાજપના હોદ્દેદારો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં મામલો બીચક્યો હતો અને ચૈતર વસાવાને ભાષણ બંધ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત ભાજપના હોદ્દેદારો અને ચૈતર વસાવા વચ્ચે સામસામે બોલાચાલી પણ થઈ હતી.
જો કે આ બબાલ બાદ પણ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા ભાષણ આપવા ઉભા થયા હતા. તેમણે ધારાસભ્યના સમર્થકોને કહ્યું કે, 'ચૈતર વસાવા બોલતા હતા ત્યારે અમે સાંભળ્યું હતું. હવે તમારે પણ સાંભળવું પડશે અને નથી સાંભળવું તો અહીંથી નીકળી જાઓ.' ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ વળતો જવાબ આપતા કહ્યું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ થતો હોય તો ખર્ચ તો થાય. દેડીયાપાડાનો કાર્યક્રમ આદિવાસી સમાજના ભગવાનની જન્મ જયંતિનો હતો અને એકતા નગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ હતો તેના ખર્ચ માટે હિસાબ માગે તે યોગ્ય ન કહેવાય. આદિવાસીઓને ટેમ્પામાં લઈ જવાના એ અમને પસંદ નહોતું, એટલે અમે જ કીધું હતું કે બસોની વ્યવસ્થા કરો.
દેડીયાપાડના કાર્યક્રમમાં કોઈ ભાજપના જ એકલા કાર્યકર્તાઓ નહોતા, સમાજના લોકો ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે તે માટે તેમને લાવવામાં આવ્યા હતા. હિસાબ માંગો, અમને કોઈ જ વાંધો નથી. પણ વારંવાર માંગો એ આદિવાસી સમાજનું અપમાન છે.' વધુમાં તેમણે કહ્યું કે, 'મને કોઈની ટીકા ટિપ્પણી કરવાનો રસ નથી. પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય એને જવાબ આપવાની અમારી ફરજ છે. લોકોમાં ગેરસમજ ઉભી થતી હોય એ દૂર કરવાની અમારી ફરજ છે. કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કે દેડીયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp