સુધીર દલવીની સારવારનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા, કોર્ટ પાસે મળી ગઈ મંજૂરી
પ્રખ્યાત અભિનેતા સુધીર દલવી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ સેપ્સિસ ઇન્ફેક્શનથી ઝઝૂમી રહ્યા છે. અભિનેતાની સારવાર માટે પરિવારે નાણાકીય સહાયની વિનંતી કરી હતી. હવે, રાહતની વાત એ કે, બોમ્બે હાઈકોર્ટે શિરડી સાંઈ બાબા સંસ્થાનને અભિનેતા સુધીર દલવીને નાણાકીય સહાય પૂરી પાડવાની મંજૂરી આપી છે.
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે સુધીર દલવીને 11 લાખની નાણાકીય સહાય મંજૂર કરી છે, કારણ કે તેઓ હાલમાં મેડિકલ કન્ડિશનથી ઝઝૂમી રહ્યા છે અને તેમને સારવાર માટે પૈસાની જરૂર છે. સુધિરે સુપ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારની ફિલ્મ શીરડીના સાંઈ બાબા’માં સાંઈ બાબાની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાએ તેમને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી. તેમના કામને એટલી બધી પ્રશંસા મળી કે લોકો તેમને સાંઈ બાબાનું રૂપ સમજીને પૂજવા લાગ્યા.
સંસ્થાએ સુધીરને 11 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવા માટે પરવાનગી માગતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટના આદેશ હેઠળ, સંસ્થાએ ખર્ચ માટે હાઈકોર્ટની પરવાનગી લેવી પડશે. કોર્ટની સુનાવણી દરમિયાન સંસ્થાના વકીલ, અનિલ એસ. બજાજે જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા રચાયેલી એક એડ-હોક સમિતિએ 86 વર્ષીય સુધીરને નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે.
બજાજે જણાવ્યું કે, સાંઈ બાબાના પાત્ર માટે સમગ્ર ભારતમાં જાણીતા સુધીરને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંસ્થાને 30 ઓક્ટોબર, 2025ના રોજ એક પત્ર મળ્યો હતો, જેમાં સુધીર માટે 15 લાખ રૂપિયાની મદદ માગવામાં આવી હતી.
ન્યાયાધીશ વિભા કંકનવાડી અને હિતેન વેણેગાંવકરની બેન્ચે સંસ્થાને કહ્યું કે, તે દસ્તાવેજો સાથે એક નવું સોગંદનામું દાખલ કરે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે શું સુધીર હોસ્પિટલના બિલ ચૂકવવામાં અસમર્થ છે અને તેમની આર્થિક સ્થિતિ શું છે. તેમને સુધીરની સારવારની વિગતો આપતા દસ્તાવેજો પણ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. સંસ્થાએ સુધીરની પત્ની પાસેથી તેની બીમારીને લઈને એક ખુલાસો માગ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે પથારીવશ છે અને બે કેર ટેકર અને એક ફિઝિયોથેરાપિસ્ટની મદદથી ઘરે તેની સંભાળ રાખવામાં આવી રહી છે.
સુધીરની સ્થિતિમાં એક થી દોઢ વર્ષમાં સુધારો થશે. આ દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ, બેન્ચે સંમતિ આપી કે સુધીરને નાણાકીય સહાયની જરૂર છે. ત્યારબાદ કોર્ટે સંસ્થાને અભિનેતાને મદદ કરવાની મંજૂરી આપી. ચાહકો સુધીરના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અભિનેતાએ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ફિલ્મ ‘શિરડીમાં સાંઈ બાબા’ની ભૂમિકા ભજવવા ઉપરાંત, તેઓ ‘રામાયણ’ સીરિયલમાં પણ દેખાયા હતા, જેમાં તેમણે ઋષિ વશિષ્ઠની ભૂમિકા ભજવી હતી. સુધીર ‘વિષ્ણુ પુરાણ’, ‘બુનિયાદ’, ‘જુનૂન’ અને ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ પણ કરી ચૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp