સ્ત્રીઓને સ્વાસ્થ્યને લગતી કેટલીક પોતીકી સમસ્યાઓ હોય છે. આજના આધુનિક સમયમાં પણ આવી સમસ્યાઓ વિષે ખૂલીને વાત કરવામાં શરમાતી સ્ત્રીઓની સંખ્યા ઘણી મોટી છે. પરિણામે થાય છે એવું કે નાની અમથી સમસ્યા યોગ્ય ઈલાજને અભાવે આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. અને સ્ત્રીઓ કારણ વિના રીબાય છે. મોંઘી સારવાર પાછળ સમય-શક્તિનો વ્યય તો થાય જ, કેટલીક વાર સારવારમાં વિલંબ થાય ત્યારે જીવ સામે જોખમ પણ ઉભું થઇ જતું હોય છે!
આ બધાના નિવારણ માટે સૌથી આસાન રસ્તો છે સમયસર સાચી સમજણ કેળવવાનો. જો તમારા શરીરને લગતી બાબતો વિષે તમને યોગ્ય જાણકારી હશે, તો તમે કોઈ પણ તકલીફ વિષે બહુ વહેલી જાણકારી મેળવી શકશો. પરિણામે સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ એનું નિવારણ થઇ જશે! આથી જ આ કોલમમાં આપણે સ્ત્રીઓની અંગત સમસ્યાઓ વિષે વાત કરીશું, જેથી એક બેઝીક જાણકારી સહુ સાથે વહેંચી શકાય. ચાલો આજે એવી જ એક શારીરિક સમસ્યાથી શરૂઆત કરીએ, જેનો ભોગ મોટા ભાગની સ્ત્રીઓ ક્યારેક ને ક્યારેક બનતી હોય છે.
Vaginal Discharge એટલે કે યોનિમાર્ગમાંથી થતો પ્રવાહીનો સ્રાવ એ સ્ત્રીઓ માટે એક પ્રકારની રૂટિન ઘટના ગણી શકાય. આ પ્રકારના સ્રાવમાં પ્રવાહી, કોષો અને કેટલાક બેક્ટેરિયા પણ સામેલ હોય છે. યોનિમાર્ગ અને ગર્ભાશયના નીચેના ભાગ (ગર્ભાશયની ડોક) – કે જેને cervix તરીકે પણ ઓળખવામાં આવે છે – ના કોષો આ સ્રાવ પેદા કરે છે. આ પ્રકારના સ્રાવ (Discharge)ને કારણે યોનિમાર્ગની સ્વચ્છતા કુદરતી રીતે જ જળવાઈ રહે છે. આ લેખમાં આપણે હવેથી યોનિમાર્ગના સ્રાવ માટે ‘વજાઇનલ ડિસ્ચાર્જ’ શબ્દ વાપરીશું.
સામાન્ય સંજોગોમાં જોવા મળતો નોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ પાણી જેવો પારદર્શક, સફેદ અથવા ઓફવ્હાઈટ કલરનો હોય છે. પરંતુ ક્યારેક ઇન્ફેકશન સહિતની બીજી કેટલીક તકલીફોને કારણે એબનોર્મલ ડિસ્ચાર્જની સમસ્યા ઉભી થાય છે.
જો કે એબનોર્મલ ડિસ્ચાર્જ પણ એક સામાન્ય સમસ્યા ગણાય છે. ગાયનેકોલોજિસ્ટ તરીકે જ્યારે હું જોઉં ત્યારે OPD માં મોટા ભાગની સ્ત્રીઓ ‘’સફેદ પાણી પડવું.’’ એ સમસ્યા સાથે આવે છે. યુવાવસ્થાથી માંડીને મેનોપોઝ સુધી બધી બહેનોને આ સમસ્યામાંથી ક્યારેક ને ક્યારેક પસાર થવું પડતું હોય છે. સામાન્ય સ્ત્રીઓને ‘નોર્મલ ડિસ્ચાર્જ’ અને ‘એબનોર્મલ ડિસ્ચાર્જ’ વચ્ચેનો ફરક સમજવામાં તકલીફ પડે એ સ્વાભાવિક છે. ચાલો, એ વિષે થોડી સમજ કેળવીએ.
લ્યુકોરિયા એ નોર્મલ Vaginal Discharge છે કે જેમાં સફેદ, ચીકાશવાળું પાણી પડે છે, જેમાં વાસ કે ખંજવાળ આવતી નથી. એ માસિકના વાચગાળાના સમયમાં કે માસિક પહેલા થતાં હોર્મોનના નોર્મલ ફેરફારને કારણે હોય છે. સામાન્ય Checkup થી એ નોર્મલ છે એ ખબર પડી જાય છે અને તેને માટે કોઈ દવાની જરૂર હોતી નથી.
Abnormal vaginal discharge એને કહેવાય કે જેમાં પીળાં, લીલા રંગનું, દહીંના ફોદા જેવું પાણી પડે અથવા દુર્ગંધ આવે અથવા ખંજવાળ આવે! આ તકલીફ મોટા ભાગે Fungal infection(candidiasis) ને લીધે હોય છે. તેની સારવાર જરૂરી છે. આ સારવાર પ્રમાણમાં સરળ હોય છે. યોગ્ય દવા લેવાથી આ તકલીફથી છૂટકારો મેળવી શકાય છે.
લીલા રંગનું પાણી જેમાં ચામડી પર લાલાશ અને ખંજવાળ આવે છે, તે Trichomoniasis ને કારણે હોય છે અને તે યોગ્ય Antibiotics થી મટી શકે છે.
વાસ મારતું પાણી bacterial vaginosis ને કારણે હોય છે તેનો ઈલાજ જરૂરી છે. વળી આનો ઈલાજ પણ સરળ છે.
ગર્ભાશયના મુખની ચાંદી સાથે થતો પીળા રંગનો ડિસ્ચાર્જ ‘નોર્મલ’ ન ગણી શકાય! આના માટે Pap Test કરાવવી જરૂરી છે. દવા ન લેવામાં આવે તો ચેપ આગળ વધી શકે છે.
મેનોપોઝમાં યોનિમાર્ગ સૂકાઈ જાય છે અને તેના કારણે કેટલીકવાર પાણી પડે છે જેમાં હોર્મોનનું Cream લગાવવું જરુરી છે.
નિયમિત સ્નાન, Cotton underwear પ્રાઈવેટ પાર્ટ ચોખ્ખા રાખવાથી યોનિમાર્ગનો ચેપ અટકાવી શકાય છે.
આમ, સફેદ પાણીના ઘણા કારણો હોય છે. સમયસર અને યોગ્ય નિદાનથી સારવાર સાવ સરળ બની જાય છે.