Film: એ એક્ટર જેણે ભજવી હતી શ્રીદેવીના પતિની ભૂમિકા, 10 સેકન્ડના સીન માટે મળી એટલી નફરત કે હંમેશાં માટે છોડી દીધો દેશ, નામ પણ બદલી નાખ્યું
Old Memories:શ્રીદેવી 80 અને 90ના દાયકાની એ નાયિકા હતી, જેના સ્ટારડમ સામે મોટા-મોટા એક્ટર્સના સ્ટારડમ ટકતા નહોતા. એવામાં જો કોઈ નવા અભિનેતાને તેની પહેલી ફિલ્મમાં શ્રીદેવી સામે ભૂમિકા મળે અને તે પણ યશ રાજની ફિલ્મમાં, તો તે કોઈ સપનું સાકાર થવા જેવું હતું. યશ ચોપરાએ પોતાની ફિલ્મ 'લમ્હે'માં એક નવા અભિનેતાને આ તક આપી, જે 80ના દાયકાનો ટોપ મોડલ હતો. આ સુપરમોડેલ દીપક મલ્હોત્રા હતો, જેણે ‘લમ્હે’ ફિલ્મમાં શ્રીદેવી સામે ડેબ્યૂ કર્યું હતું. દીપકને જેવી જ આ ફિલ્મ મળી, તેને લાગ્યું કે તેની કારકિર્દીને ચમકતી કોઈ નહીં રોકી શકે, પરંતુ તેની વિચારસરણીથી બિલકુલ વિપરીત થયું. 'લમ્હે'માં 10 સેકન્ડના સીન માટે તેને એટલી બધી નફરત મળી કે તેણે માત્ર બોલિવુડ જ નહીં, પરંતુ દેશ પણ છોડી દીધો.
મૉડલિંગમાં સફળ કારકિર્દી બાદ, એવું માનવામાં આવતું હતું કે દીપક મલ્હોત્રા હવે બોલિવુડમાં પણ પોતાનું નામ બનાવશે, પરંતુ 'લમ્હે' રીલિઝ થયા બાદ, તેને વધુ ફિલ્મોની ઑફર ન મળી, સાથે જ તેની પાસે જે ફિલ્મો હતી, તે પણ ગુમાવવી પડી, જેમાં 'ડર' અને 'જુનૂન' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 1991માં, ભલે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, તેમનો એક ડાયલોગ 'પલ્લો' એટલો ચર્ચામાં આવી ગયો કે તેણે તેની કારકિર્દી બરબાદ કરી દીધી. કામ તેના હાથમાંથી સરકી જતા, તે ભારત છોડીને અમેરિકામાં વસી ગયો અને પોતાનું નામ પણ બદલી નાખ્યું.
દીપક મલ્હોત્રા હવે ડીનો માર્ટેલી તરીકે પ્રખ્યાત છે અને અભિનેતા-મોડેલમાંથી ઉદ્યોગપતિ બન્યો છે. તે પોતાની પત્ની અને 2 પુત્રો સાથે ન્યૂયોર્કમાં રહે છે. દીપક સોશિયલ મીડિયા પર પણ સક્રિય નથી. પરંતુ, તેની પત્ની લૂબના એડમ અને પુત્ર સોશિયલ મીડિયા પર સક્રિય છે, જેના ફીડમાં ક્યારેક-ક્યારેક દીપકની ઝલક જોવા મળે છે. વર્ષ 2019માં પણ, લુબ્નાએ દીપક સાથેની તસવીરો શેર કરી હતી, જેમાં તે એકદમ બદલાયેલો દેખાતો હતો.
આ મોડેલ-અભિનેતાનો જન્મ 1964માં બેંગ્લોરમાં થયો હતો. તે રાષ્ટ્રીય સ્તરનો જિમ્નાસ્ટ પણ રહ્યો છે. ફેશન ફોટોગ્રાફરોમાં તેનું એથ્લેટિક શરીર પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને મોડેલિંગની ઘણી ઓફરો મળવા લાગી. 80ના દાયકાના અંતમાં, તેને સુપરમોડેલ તરીકે ખ્યાતિ મળી અને ફિલ્મ જગતે પણ તેની નોંધ લીધી. એક સમય હતો જ્યારે તે દેશમાં સૌથી વધુ કમાણી કરનારો મોડેલ હતો, પરંતુ ફિલ્મોમાં તેની કારકિર્દી પૂરી રીતે ફ્લોપ રહી. લમ્હેની રીલિઝ અગાઉ જ, યશ ચોપરાએ પોતાની આગામી ફિલ્મ 'ડર' માટે દીપકને પસંદ કર્યો હતો. જોકે, 'લમ્હે'માં તેના અભિનયની ટીકા થયા બાદ, ડિરેક્ટરે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને તેની જગ્યાએ સની દેઓલને લીધા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp