ED બાદ હવે CBIનો અનિલ અંબાણી પર સકંજો! કરોડો રૂપિયાની લોન લઈને દેશની સૌથી મોટી બેંક સાથે છેતરપિંડી ! જાણો
જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે શનિવારે સવારે સીબીઆઈ (CBI) ની ટીમોએ રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom) અને તેના પ્રમોટર અનિલ અંબાણીના વિવિધ પરિસરોમાં દરોડા પાડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, કથિત બેંક લોન છેતરપિંડીના કેસને ધ્યાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ છેતરપિંડીનો આંકડો લગભગ ₹17,000 કરોડ જેટલો હોવાનું મનાય છે. માહિતી અનુસાર સીબીઆઈની ટીમ સવારના સાત વાગ્યાથી તેમના વિવિધ પરિસરમાં તપાસ કરી રહી છે. આ અગાવ ઇડીની ટીમ દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
કેન્દ્રિય તપાસ એજન્સી CBIએ રિલાયન્સ જૂથની ત્રણે કંપનીઓ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) દ્વારા એસબીઆઈ પાસેથી 2000 કરોડ રૂપિયાની લોન લઈને ફ્રોડ કરવા મામલે તપાસ હાથ ધરી છે. CBI દ્વારા નોંધવામાં આવેલી FIR અનુસાર આ લોનોમાં ગેરરીત ઉપયોગ, દસ્તાવેજોની છેડછાડ અને નાણાંની ખોટી રીતે સ્થાનાંતરિત કરવા જેવી ગંભીર અનિયમિતતાઓ જોવા મળી છે. 13 જૂન 2025ના રોજ એસબીઆઈએ અનિલ અંબાણી સંબંધિત ખાતાને ફ્રોડ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 13 જૂન, 2025ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી 24 જૂન, 2025ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના જણાવ્યા અનુસાર, કંપની પર ઓગસ્ટ 2016થી આજ સુધી રૂ. 2227.64 કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીના નામે રૂ. 786.52 કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી પણ જારી કરવામાં આવી હતી. એસબીઆઈના ક્રેડિટ એક્સપોઝરનો સરવાળો કરવામાં આવે તો કુલ આંકડો ખૂબ મોટો થઈ શકે છે અને તેથી જ હવે તેને ફરી છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની છેતરપિંડી ઓળખ સમિતિએ તેની તપાસમાં શોધી કાઢયું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લોનનો દુરુપયોગ કર્યો હતો એટલે કે લોનના પૈસા જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચવામાં આવ્યા નથી. બેંકે અગાઉ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024 માં આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી. બેંકનું કહેવું છે કે લોનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ખાતાઓમાં અનિયમિતતાઓ મળી આવી હતી.
પ્રાથમિક વિગતો મુજબ દરોડા દરમ્યાન અનિલ અંબાણી તેમના પરિવાર સાથે ઘરમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી કોઈ પણ ધરપકડ થઈ નથી, પરંતુ તપાસની ગતિથી સ્પષ્ટ છે કે એજન્સીઓ કોઈ કડક કાર્યવાહી માટે તૈયારીમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp