તમાકુ-પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ થશે મોંઘી, જાણો શું સસ્તું થશે, દિવાળી અગાઉ GSTમાં થશે મોટો બદલાવ
કેન્દ્ર સરકારે 'ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ' (GST) ના સ્લેબમાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત, 5% અને 18%ના બે ટેક્સ સ્લેબની ભલામણ કરવામાં આવી છે, જ્યારે તમાકુ અને પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર 40% GST લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ GST કાઉન્સિલને મોકલવામાં આવ્યો છે, જે સપ્ટેમ્બરમાં GST સ્લેબમાં ફેરફારોને અંતિમ સ્વરૂપ આપવા માટે બે દિવસની બેઠક કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં દિવાળી સુધીમાં આગામી પેઢીના GST સુધારા લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું આ દિવાળી પર એક મોટી ભેટ આપવા જઈ રહ્યો છું. છેલ્લા 8 વર્ષમાં અમે GST જેવા મોટા સુધારા લાગુ કર્યા છે અને દેશની કરવેરા પ્રણાલીને સરળ બનાવી છે. હવે તેની સમીક્ષા કરવાનો સમય છે. અમે રાજ્યો સાથે સલાહ લીધી છે અને હવે અમે આગામી પેઢીના GST સુધારા લાગૂ કરવા જઈ રહ્યા છીએ.’
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા પ્રસ્તાવિત GST સુધારાઓમાં કૃષિ ઉત્પાદનો, આરોગ્ય સંબંધિત વસ્તુઓ, હસ્તકલા અને વીમા પરના કરમાં ઘટાડો શામેલ છે. સરકારનું માનવું છે કે તેનાથી વપરાશ વધશે અને આર્થિક વિકાસને વેગ મળશે. હાલમાં, GSTમાં 5 મુખ્ય સ્લેબ છે - 0%, 5%, 12%, 18% અને 28%. GSTના 12% અને 18% સ્લેબ સામાન્ય દરો છે, જે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓને આવરી લે છે. પ્રસ્તાવિત સુધારાઓમાં 12% સ્લેબને દૂર કરવાનો અને તે અંતર્ગત આવતી વસ્તુઓને 5% અને 18% સ્લેબમાં સમાયોજિત કરવાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, GSTમાં સુધારો સરકાર તરફથી દેશવાસીઓને દિવાળી ભેટ હશે. લોકો માટે આવશ્યક સેવાઓ પરના કરમાં નોંધપાત્ર ઘટાડો થશે. MSMEને ફાયદો થશે, દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે અને તેનાથી દેશના અર્થતંત્રને પણ વેગ મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે GST સ્લેબમાં સુધારા બાદ, આરોગ્ય અને જીવન વીમા જેવી આવશ્યક સેવાઓ વધુ સસ્તી બની શકે છે.
સરકારનું માનવું છે કે દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આવશ્યક સેવાઓ પર GST દર ઘટાડવાથી આવક પર કામચલાઉ અસર પડી શકે છે, પરંતુ વપરાશમાં વધારો થવાને કારણે લાંબા ગાળે તેની ભરપાઈ થશે. સપ્ટેમ્બરમાં થનારી GST કાઉન્સિલની બેઠકમાં પ્રસ્તાવિત સ્લેબ પર નિર્ણય લેવામાં આવશે. સરકારનું દિવાળી અગાઉ GST સુધારા લાગુ કરવાનો લક્ષ્ય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp