નેપાળમાં 'તખ્તાપલટ' બાદ યુવાનોમાં ખૂબ ચર્ચામાં છે એક સમયના રેપર 'બાલેન શાહ', દેશની કમાન સંભાળવા

નેપાળમાં 'તખ્તાપલટ' બાદ યુવાનોમાં ખૂબ ચર્ચામાં છે એક સમયના રેપર 'બાલેન શાહ', દેશની કમાન સંભાળવા અપીલ! જાણો કોણ છે?

09/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

નેપાળમાં 'તખ્તાપલટ' બાદ યુવાનોમાં ખૂબ ચર્ચામાં છે એક સમયના રેપર 'બાલેન શાહ', દેશની કમાન સંભાળવા

નેપાળ એક મોટી રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. નેપાળના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોએ રસ્તા પર ઊતરીને સરકારને ધ્વસ્ત કરી દીધી છે. સરકારના તમામ હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા છે. આ સાથે રોષે ભરાયેલ યુવાનોએ દેશની સંસદ અને સુપ્રીમકોર્ટ જેવા સ્થળોએ આગચંપી કરી છે. અને નેતાઓના ઘરોને પણ એની ઝપેટમાં લઈ રોષ ઠાલવી રહ્યા છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી દેશ છોડી પલાયન કરી ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કેન્દ્રમાં એક નામ ઉભરી આવ્યું છે, તે છે બાલેન શાહ.


નેપાળી યુવાનો માટે એક રોલ મોડેલ

નેપાળી યુવાનો માટે એક રોલ મોડેલ

બાલેન શાહ કાઠમંડુના મેયર છે. અને નેપાળના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યાં જ હવે આ માણસ નેપાળમાં આ મોટા આંદોલનના કેન્દ્રમાં આવ્યો છે. બાલેનના કદ અને પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ટાઈમ મેગેઝિને તેમને 2023ની ટોચની 100 વ્યક્તિત્વોની યાદીમાં સામેલ કર્યા હતા. ઉપરાંત ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ જેવી વિશ્વ વિખ્યાત મીડિયા સંસ્થાઓએ પણ તેમને આવરી લીધા છે. બાલેન શાહે સિવિલ એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે રેપર તરીકે પણ  પોતાનું નસીબ અજમાવ્યું હતું. અને ત્યાર પછી, તેમણે રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને કાઠમંડુના મેયર પદ માટે ચૂંટણી લડી અને જીત્યા.

યુવાનોમાં લોકપ્રિયતા અને પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યે નેપાળી યુવાનોના મોહભંગે બાલેનને હીરો બનાવ્યો છે. નેપાળના યુવાનોમાં તેમના ફોલોઅર્સ ખૂબ જ વધારે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ રાષ્ટ્રીય સ્તર સુધી ચર્ચા જગાવી ઝડપથી ટ્રેન્ડ થવા લાગે છે. તેમની જીવનશૈલી, રહેવાની રીત, સ્ટાઇલ, બધું જ ત્યાંના યુવાનો માટે એક રોલ મોડેલ જેવું છે.


બાલેને આ સમગ્ર ચળવળને ટેકો આપ્યો

બાલેને આ સમગ્ર ચળવળને ટેકો આપ્યો

બાલેને આ સમગ્ર ચળવળને ટેકો આપતાં કહ્યું છે કે, આ રેલી સ્પષ્ટપણે 'જેન ઝી'નું સ્વયંભૂ આંદોલન છે, હું તેમની આકાંક્ષાઓ, ઉદ્દેશ્યો અને વિચારસરણીને સમજવા માંગુ છું. રાજકીય પક્ષો, નેતાઓ, કાર્યકરો, સાંસદો અને પ્રચારકોએ આ રેલીનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે ન કરવો જોઈએ. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે તેઓ તેમાં હાજરી નહીં આપે, પણ તેમનો સંપૂર્ણ ટેકો વિરોધીઓ સાથે છે. આ દરમિયાન, બાલેનને દેશનું નેતૃત્વ સોંપવાની માંગણી તીવ્ર બની છે.


દેશની કમાન સંભાળવા આંદોલનકારીઓનો આગ્રહ

દેશની કમાન સંભાળવા આંદોલનકારીઓનો આગ્રહ

નેપાળી યુવાનો બાલેનની તુલના વડાપ્રધાન અને ત્યાંના ટોચના રાજકીય વ્યક્તિઓ સાથે કરી રહ્યા છે. અને તેમને મેયર પદેથી રાજીનામું આપીને દેશની કમાન સંભાળવા માટે આગ્રહ કરી રહ્યા છે. નેપાળના માય રિપબ્લિક સિટીઝન નેટવર્કના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક, બાલેનને દેશનું નેતૃત્વ સંભાળવા કરાયેલી વિનંતીવાળી પોસ્ટ્સથી છલકાઈ ગયું છે. નેપાળી યુવાનો તેમને એક નવો રાજકીય પક્ષ બનાવવા અને દેશનું નેતૃત્વ કરવા હાંકલ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે, ત્રણ પરંપરાગત મુખ્ય પક્ષોના નેતાઓ પોતાનું કામ કરવામાં નિષ્ફળ ગયા છે તેથી હવે બાલેને દેશને નવી દિશા આપવા માટે આગળ આવવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top