રોહિત-વિરાટ બાદ કોણ હશે ભારતીય ટીમનો સ્ટાર? સચિન તેંદુલકરે આપ્યો જવાબ
ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંદુલકરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર Reddit Ask Me Anything (AMA) સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ચાહકોના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન ચાહકો સાથેની વાતચીતમાં, સચિન તેંદુલકરે ભારતીય ક્રિકેટના ભવિષ્ય પર પોતાના વિચારો શેર કર્યા હતા, તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટની દિશા અને ઉભરતા સ્ટાર્સ પર ચર્ચા કરી હતી. સચિને કહ્યું કે ભારતીય ક્રિકેટમાં ઘણા યુવા ખેલાડીઓ તેમના વારસાને આગળ વધારવા માટે તૈયાર છે.
સચિને લગભગ એક દાયકા અગાઉ ભવિષ્યવાણી કરી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમના વારસાને આગળ વધારશે. એક ચાહકે આ જૂના નિવેદનનો ઉલ્લેખ કરતાં પૂછ્યું કે કોહલી અને રોહિત બાદ હવે તેમનું સ્થાન કોણ લઈ શકે છે. ચાહકે કહ્યું કે, ‘તમે વર્ષ 2010માં કહ્યું હતું કે કોહલી અને રોહિત તમારા વારસાને આગળ વધારશે અને તમે બિલકુલ સાચા હતા. હવે તમને શું લાગે છે કે તેને આગળ વધારવા માટે કોણ સૌથી યોગ્ય છે?'
સચિન તેંદુલકરે આ સવાલના જવાબમાં કહ્યું કે, ‘હા! વિરાટ અને રોહિતે ઘણી વખત ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતીય ક્રિકેટ સારા હાથમાં છે અને તેમણે ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. આ વારસાને આગળ ધપાવવા માટે ઘણા દાવેદાર છે.’
રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક રહ્યા છે. આ બંને ખેલાડીઓ ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે આ દિગ્ગજો માત્ર ODI ક્રિકેટનો ભાગ છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 123 મેચોમાં 9,230 રન બનાવ્યા હતા, જેમાં 30 સદીનો સમાવેશ થાય છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 68માંથી 40 ટેસ્ટ જીતી હતી, જે ભારતીય ક્રિકેટ માટે એક રેકોર્ડ છે. બીજી તરફ રોહિત શર્માએ તેમની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ 2024માં ભારતને ટાઇટલ અપાવ્યું હતું અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણી યાદગાર જીત પણ નોંધાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp