હેન્ડશેક ન કરવા બદલ ભારતીય ટીમ પર થશે એક્શન? જાણો શું કહે છે ICC રૂલ બૂક
14 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રોમાંચથી ભરેલી હતી. તો મેચ બાદનો વિવાદ પણ ચર્ચામાં છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ-વિનિંગ સિક્સ ફટકાર્યો તેની સાથે જ તે સીધો શિવમ દુબે સાથે પેવેલિયન તરફ ચાલ્યો ગયો. બંનેએ પરંપરા મુજબ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કર્યા. ક્રિકેટ મેચ સમાપ્ત થયા બાદ, બંને ટીમો સામાન્ય રીતે એકબીજા સાથે હેન્ડશેક કરીને ખેલદિલી બતાવે છે.
પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો ભારતીય ખેલાડીઓના આવવા અને હેન્ડશેક કરવાની રાહ જોતા રહ્યા, પરંતુ આખી ટીમ મેદાનથી સીધી તેમના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. અગાઉ, ટોસ દરમિયાન પણ, સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગાએ હેન્ડશેક કર્યો નહોતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું કે તેમની ટીમ મેદાન પર રમવા આવી હતી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. સૂર્યકુમારે કહ્યું કે જીવનમાં કેટલીક બાબતો ખેલાડીની લાગણીઓથી ઉપર હોય છે. સૂર્યાએ કહ્યું કે આખી ટીમ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઉભી છે. કેપ્ટન સૂર્યાએ આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી, જેમણે ઓપરેશન સિંદૂરનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.
ભારતીય ખેલાડીઓએ હેન્ડશેક ન કર્યા ત્યારે પાકિસ્તાનની ટીમ હેરાન અને નિરાશ જોવા મળી. આ ઘટના પર પાકિસ્તાની ટીમ અકળાઈ ગઈ. ટીમ મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમના અયોગ્ય વર્તન સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી. નવીદ ચીમાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સામે પણ સત્તાવાર વિરોધ નોંધાવ્યો, જેમણે બંને ટીમોના કેપ્ટનોને ટોસ દરમિયાન હેન્ડશેક કરવાની વિનંતી કરી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમોમાં હેન્ડશેક કરવાનો કોઈ ઉલ્લેખ નથી. એવામાં, ચેતવણી, દંડ અથવા મેચ પ્રતિબંધ વિશે વાત કરવી વાજબી નહીં હોય. અમ્પાયરો અને ખેલાડીઓ ખેલ ભાવનાને ધ્યાનમાં રાખીને મેચ પહેલા કે પછી હેન્ડશેક કરતા હોય છે. આ પરંપરા ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ જોવા મળે છે.
જો ખેલાડીઓ જાણી જોઈને હેન્ડશેક ન કરે તો જ તેને રમતની ભાવના વિરુદ્ધ ગણી શકાય. ICC આચારસંહિતાના કલમ 2.1.8 મુજબ, આવા વર્તનને રમતની ભાવના વિરુદ્ધ અને રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર માનવામાં આવે છે. તેને લેવલ-1 અને લેવલ-2 માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
લેવલ-1ના ગુના માટે, ખેલાડીને ચેતવણી આપીને છોડી શકાય છે અથવા $2,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. બીજી તરફ, લેવલ-2ના કિસ્સામાં, મેચ ફીના 100 ટકા દંડ લાદવામાં આવી શકે છે અને ડિમેરિટ પોઈન્ટ આપી શકાય છે. જો કોઈ ખેલાડી 24 મહિનાની અંદર તેના ખાતામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ એકઠા કરે છે, તો તેના પર કેટલીક મેચો માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp