અમેરિકાએ ભારત પર 50 ટકાનો ભારે ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને બધા જ અમેરિકી અધિકારીઓ સતત બધા ભારત દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અંગે ફરિયાદ કરતા રહે છે. હવે, ભારતની વેપાર નીતિઓની ટીકા કરતા અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે નવી દિલ્હી પર વૈશ્વિક વેપારનો લાભ ઉઠાવતા બજાર પહોંચને મર્યાદિત કરવાનો આરોપ લગાવ્યો છે.
'એક્સિયોસ' ને આપેલા ઇન્ટરવ્યૂમાં, લુટનિકે કહ્યું કે ભારત પોતાની 140 કરોડની વસ્તી પર ગર્વ છે, પરંતુ અમેરિકન કૃષિ નિકાસના સંદર્ભમાં ખૂબ જ ઓછી ખુલ્લાપણું દર્શાવે છે. ભારત શેખી બતાવે છે કે તેની વસ્તી 140 કરોડ છે, તો પછી તે અમારી પાસેથી એક બુશેલ (25.40 કિલો) મકાઈ કેમ નથી ખરીદતું? તે અમારી મકાઈ નહીં ખરીદે. તે દરેક વસ્તુ પર ટેરિફ લાદે છે.અથવા તો તમે માની લો, અથવા તમારા માટે વિશ્વના સૌથી મોટા ગ્રાહક સાથે વેપાર કરવો મુશ્કેલ બનશે.
એક બુશેલમાં 25 કિલોના કોથળા જેટલી મકાઈ હોય છે. લુટનિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ અને મુક્ત બજાર લોકશાહી હોવાના વારંવાર દાવાઓ છતા તેનું સંરક્ષણવાદી વલણ અમેરિકન વ્યવસાયોને નિરાશ કરી રહ્યું છે. આ નિષ્પક્ષતાની વાત છે. અમેરિકા ભારતીય માલ ખુલ્લેઆમ ખરીદે છે, પરંતુ જ્યારે અમે વેચવા માગીએ છીએ, ત્યારે દિવાલો ઉભી કરવામાં આવે છે.
લુટનિકે ભારત દ્વારા સબસિડીવાળા દરે રશિયન ક્રૂડની વધતી જતી આયાત તરફ પણ ધ્યાન દોર્યું, જે મોસ્કો પર ચાલી રહેલા પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે વોશિંગ્ટન માટે પીડાદાયક બની ગયું છે. વૃદ્ધિને આગળ વધારવા માટે સસ્તી ઊર્જાની ભારતની જરૂરિયાતને સ્વીકારતા, લુટનિકે દલીલ કરી હતી કે આવી ખરીદી વૈશ્વિક વેપાર રાજદ્વારીમાં અસંતુલનને ઊભી કરે છે.
આ ચિંતાઓ છતા અમેરિકા અને ભારત સંરક્ષણ, ટેકનોલોજી અને રોકાણમાં વ્યૂહાત્મક ભાગીદાર રહે છે. લુટનિકે કહ્યું કે વોશિંગ્ટન નવી દિલ્હી સાથેના તેના સંબંધોને ડાઉનગ્રેડ કરે તેવી શક્યતા નથી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ ટેરિફથી લઈને તેલ ખરીદી સુધીના વેપાર ઘર્ષણ હજુ પણ રહેશે.
ગયા અઠવાડિયે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં રાજદૂત તરીકેના ઉમેદવાર સર્જિયો ગોરે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીને જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ટ્રેડ ડીલ બહુ દૂર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે વાટાઘાટો હવે એક મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગઈ છે. ગોરે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વાણિજ્ય મંત્રાલયના એક પ્રતિનિધિમંડળને આવતા અઠવાડિયે અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.
ભારત હજુ પણ રશિયન તેલ ખરીદવા પર અડગ છે અને અમેરિકા દ્વારા દંડ તરીકે 25 ટકા વધારાના ટેરિફ લાદવામાં આવ્યા છતા તે નમવા તૈયાર નથી. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે પોતાના નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે. બીજી તરફ, ભારતે અમેરિકા માટે ડેરી અને કૃષિ ક્ષેત્ર ખોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, કારણ કે તેનાથી લાખો ભારતીય ખેડૂતો બરબાદ થઈ શકે છે.