પહેલી જ પરીક્ષામાં ઠાકરે બંધુ થયા નાપાસ! બેસ્ટની ટેસ્ટમાં હાર્યા ઉદ્ધવ-રાજ ઠાકરે, જાણો પરિણામ
મુંબઈની પ્રતિષ્ઠિત બેસ્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચૂંટણી 2025માં ઠાકરે બંધુઓનો કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પહેલી વખત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમની ઉત્કર્ષ પેનલ એક પણ બેઠક જીતી શકી નથી. આ પરિણામ ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બંને પક્ષો આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ સાથે લડવાની તૈયારી કરી રહ્યા છે.
બેસ્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી માટે 18 ઓગસ્ટે મતદાન થયું હતું. મંગળવારે મતગણતરીનો પ્રસ્તાવ હતો, પરંતુ ભારે વરસાદને કારણે પરિણામો મોડી રાત્રે શરૂ થયા અને પરિણામો મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. બેસ્ટ પટપેઢીની કુલ 21 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં શશાંકરાવ પેનલે બાજી મારતા 14 બેઠકો જીતી હતી. તો, મહાયુતિ સમર્થિત સહકાર સમૃદ્ધિ પેનલે 7 બેઠકો જીતી હતી. જ્યારે ઠાકરે બંધુઓની ઉત્કર્ષ પેનલનો પૂરી રીતે સફાયો થઈ ગયો હતો અને 0 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
ઠાકરે જૂથની શિવસેના છેલ્લા 9 વર્ષથી બેસ્ટ પટપેઢીમાં પોતાનો દબદબો જાળવી રાખતી હતી, પરંતુ આ વખતે પરિણામોએ તેમની સત્તા છીનવી લીધી છે, પરંતુ ઉદ્ધવ અને રાજ ઠાકરેની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉભા કરી દીધા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની બેસ્ટ કામગાર સેના અને રાજ ઠાકરેની MNSની કામગાર કર્મકાર સેનાએ ગઠબંધન બનાવીને ઉત્કર્ષ પેનલને મેદાનમાં ઉતારી હતી.
બીજી તરફ, મહાયુતિએ ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડ, પ્રવીણ દરેકર, નિતેશ રાણે અને શિંદે જૂથના કિરણ પાવસ્કરની તાકાતને જોડીને સહકાર સમૃદ્ધિ પેનલને મેદાનમાં ઉતારી હતી. તો, બેસ્ટ વર્કર્સ યુનિયન સમર્થિત શશાંકરાવ પેનલે પણ તમામ 21 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા હતા અને શાનદાર જીત મેળવી. આ પરિણામો બાદ સ્પષ્ટ છે કે, ઠાકરે બંધુઓની પ્રથમ ચૂંટણી ભાગીદારી લિટમસ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે અને તેમને ભવિષ્યના રાજકારણમાં નવી રણનીતિ બનાવવા માટે મજબૂર કરી દીધા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp