‘ધોનીએ મને કાચિંડો બનાવી દીધો..’, દિનેશ કાર્તિકે ખોલ્યા ભારતીય ટીમના ઘણા રહસ્ય
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ‘કાચિંડો’ બનાવી દીધો, કારણ કે તેને ભારતીય ટીમમાં જગ્યા મેળવવા માટે વિવિધ ભૂમિકાઓ ભજવવી પડી હતી. કાર્તિકે ધોનીના 3 મહિના અગાઉ 2004માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ધોની આવ્યા બાદ, તેના માટે ટીમમાં સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ બની ગયું.
ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ સાઉથ 2025માં બોલતા કાર્તિકે યાદ કર્યું કે કેવી રીતે ધોનીએ તેની કારકિર્દીની શરૂઆતમાં તોફાની છગ્ગા ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ટૂંક સમયમાં જ ભારતના અગ્રણી વિકેટકીપર-બેટ્સમેન બની ગયો. તેણે કહ્યું કે તે સમયે ધોનીની શક્તિશાળી હિટિંગની તુલના મહાન ગેરી સોબર્સ સાથે કરવામાં આવી રહી હતી.
કાર્તિકે કહ્યું કે, ‘રાહુલ દ્રવિડ તે સમયે વિકેટકીપિંગ કરતા હતા, પરંતુ તેમણે પોતે કહ્યું હતું કે હવે તેઓ માત્ર બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ત્યારે ટીમને કાયમી વિકેટકીપરની જરૂર હતી. મને થોડા સમય માટે તક મળી, પરંતુ મુખ્ય ભૂમિકા માત્ર ધોની માટે જ લખાઈ હતી. તે આવતા જ બધું બદલાઈ ગયું.’
કાર્તિકે કહ્યું કે ધોનીની સફળતા બાદ, તેને ટીમમાં રહેવા માટે ઘણી વખત નવી ભૂમિકાઓ અપનાવવી પડી. હું કાચિંડાની ઢળી ગયો. જો ટીમમાં ઓપનર માટે જગ્યા હોત, તો હું તમિલનાડુ માટે ઓપનિંગ કરતો. જો મિડલ ઓર્ડરની જરૂર હોત, તો હું ત્યાં બેટિંગ કરતો. અસલી પડકાર સ્થાન મેળવવા કરતા તેને જાળવી રાખવાનો હતો. ઘણી વખત હું દબાણમાં મારું સર્વશ્રેષ્ઠ આપી ન શક્યો.’ ધોનીએ મને સીધી રીતે નહીં, પરંતુ પોતાની રીતે ઘણું શીખવ્યું. લચીલાપણું, હિંમત અને ધીરજ સૌથી મહત્ત્વપૂર્ણ છે. મેં મારી કારકિર્દીના છેલ્લા વર્ષોમાં 6 અને 7 નંબર પર બેટિંગ કરી હતી, જે સરળ નહોતું, પરંતુ મેં તેને અપનાવ્યું.’
દિનેશ કાર્તિકે છેલ્લે ભારત માટે T20 વર્લ્ડ કપ 2022માં રમ્યો હતો. તેણે IPL 2022માં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં વાપસી કરી હતી. તે ભારતની T20 વર્લ્ડ કપ 2007 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની જીતમાં સામેલ હતો. દિનેશ કાર્તિકે કુલ 26 ટેસ્ટ, 94 ODI અને 60 T20 મેચ રમી હતી. 2018માં નિદાહાસ ટ્રોફીની ફાઇનલ કાર્તિકના કારકિર્દીનો શ્રેષ્ઠ ક્ષણ હતો, જ્યારે તેણે છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp