‘આજથી હું રિટાયર..’, 7 દિવસની અંદર ત્રીજા ક્રિકેટરે નિવૃત્તિની કરી જાહેરાત
ભારતીય ટીમના અનુભવી લેગ-સ્પિનર અમિત મિશ્રાએ ક્રિકેટમાં 25 વર્ષ આપ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ભારત માટે 22 ટેસ્ટ, 36 વન-ડે અને 10 T20 મેચ રમી હતી. મિશ્રાએ ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે વારંવાર થતી ઈજાઓને કારણે અને યુવા ક્રિકેટરોને તક આપવા માટે તેણે આ નિર્ણય લીધો છે. મિશ્રા હવે કોચિંગ, કોમેન્ટ્રી અને યુવા ખેલાડીઓને શીખવવાનું કામ કરશે.
અમિત મિશ્રાએ ટેસ્ટમાં 76, ODIમાં 64 અને T20માં 16 વિકેટ લીધી હતી. અમિત મિશ્રાએ તેમની 25 વર્ષની ક્રિકેટ કારકિર્દીને યાદગાર ગણાવી છે. તેણે BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, સપોર્ટ સ્ટાફ, પોતાના સાથી ખેલાડીઓ અને પરિવારનો આભાર માન્યો હતો. મિશ્રાએ કહ્યું હતું, કે ચાહકોના પ્રેમ અને સમર્થને સફર યાદગાર બનાવી દીધી છે. ક્રિકેટે તેમને ઘણું શીખવ્યું છે અને મેદાન પર વિતાવેલી દરેક ક્ષણ તેના માટે અણમોલ છે. મિશ્રાના મતે, તે ક્રિકેટમાંથી મળેલા અનુભવને હંમેશાં યાદ રાખશે.
અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘આજે, 25 વર્ષ બાદ, હું ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું, એક રમત જે મારો પહેલો પ્રેમ, મારા શિક્ષક અને મારી ખુશીનો સૌથી મોટો સ્ત્રોત રહી છે. આ યાત્રા અસંખ્ય લાગણીઓથી ભરેલી છે. ગર્વ, મુશ્કેલી, શીખ અને પ્રેમની ક્ષણો. હું BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, મારા કોચ, સપોર્ટ સ્ટાફ, સહયોગી અને સૌથી મહત્ત્વપૂર્ણ ચાહકોનો ખૂબ ખૂબ આભારી છું, જેમના વિશ્વાસ અને સમર્થનથી મને દરેક પગલા પર તાકાત મળી.’
તેમણે પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘શરૂઆતના દિવસોના સંઘર્ષ અને બલિદાનથી લઈને મેદાન પરની અવિસ્મરણીય ક્ષણો સુધી, દરેક અધ્યાય એક એવો અનુભવ રહ્યો છે જેણે મને એક ક્રિકેટર અને એક વ્યક્તિ તરીકે આકાર આપ્યો છે. ઉતાર-ચઢાવ દરમિયાન મારી સાથે મજબૂત રીતે ઉભા રહેવા બદલ મારા પરિવારનો આભાર. આ સફરને આટલી ખાસ બનાવવા બદલ મારા સાથી ખેલાડીઓ અને માર્ગદર્શકોનો આભાર. જેમ જેવો જ હું આ પ્રકરણ પૂર્ણ કરું છું, મારું હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાઈ જાય છે. ક્રિકેટે મને બધું આપ્યું છે અને હવે હું રમતને કંઈક પાછું આપવા માટે ઉત્સુક છું.’
અમિત મિશ્રાએ વર્ષ 2003માં બાંગ્લાદેશમાં ODI શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. તેણે 2008માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. આ મેચમાં તેણે પાંચ વિકેટ લીધી હતી. વર્ષ 2013માં મિશ્રાએ ઝિમ્બાબ્વે સામે 5 મેચની ODI શ્રેણીમાં 18 વિકેટ લઈને જવાગલ શ્રીનાથના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે વર્ષ 2014માં બાંગ્લાદેશમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેણે 10 વિકેટ લીધી હતી અને ભારત બીજા સ્થાને રહ્યું હતું. 2017માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ મિશ્રાએ ઘરેલુ ક્રિકેટ અને IPL રમવાનું ચાલુ રાખ્યું. તેણે IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી મેચ રમી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp