શું તમે પણ માનો છો કે ચોમાસામાં ડિહાઇડ્રેશન નથી થતું? જાણી લો સત્ય નહિ તો પસ્તાશો!
પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. માનવ શરીરના લગભગ ૭૦ ટકા ભાગમાં પાણી રહેલું છે. પાણી એ માત્ર આપણી તરસ જ નથી છીપાવતું છે, સાથે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં, શરીરના દરેક ભાગમાં પોષક તત્વો પહોંચાડવામાં અને ઝેરી તત્વો દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણીવાર લોકો વિચારે છે કે, ચોમાસામાં ડિહાઇડ્રેશન નથી થતું, પરંતુ આ માન્યતા ખોટી છે. જો કોઈ ઓછું પાણી પીતું હોય, તો કોઈપણ ઋતુમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિના શરીરમાં પાણીની કમી હોય, ત્યારે શરીર ઘણા બધા પ્રકારના સંકેતો આપવાનું શરૂ કરે છે. આ સ્થિતિને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. ઘણા લોકો આ સંકેતોને સામાન્ય થાક અથવા અન્ય કોઈ કારણ સાથે જોડીને અવગણે છે. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ડિહાઇડ્રેશન હળવું અથવા ગંભીર હોઈ શકે છે. અને તે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણને અસર કરી શકે છે. જો તેને સમયસર ઓળખી તેની સારવાર કરવામાં ન આવે તો તે કિડની ફેલ્યોર અથવા હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
શરીરમાં પાણીની અછતનું પહેલું અને સ્પષ્ટ સંકેત તરસ અને સૂકું ગળું છે. જ્યારે શરીરને પૂરતું પાણી મળતું નથી, ત્યારે મગજ તરસનો સંકેત આપે છે જેથી તમે પાણી પીને આ ઉણપને દુર કરી શકો. જો તમને સતત તરસ લાગતી હોય, તો તે ડિહાઇડ્રેશનનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
પેશાબનો રંગ તમારા શરીરમાં પાણીના સ્તરનો સારો સૂચક છે. જો તમારો પેશાબ આછો પીળો અથવા પારદર્શક હોય, તો તેનો અર્થ એ છે કે, તમે પૂરતું પાણી પી રહ્યા છો. પરંતુ, જો તે ઘેરો પીળો કે ભૂરો હોય, તો તે સ્પષ્ટપણે સૂચવે છે કે, શરીરમાં પાણીની અછત છે અને તમારે તાત્કાલિક પાણી પીવું જોઈએ.
જ્યારે શરીરમાં પાણીની અછત હોય છે, ત્યારે લોહીનું પ્રમાણ ઘટે છે, જેના કારણે હૃદય લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરે છે. અને આ થાક અને નબળાઇનું કારણ બને છે. આ ઉપરાંત, ડિહાઇડ્રેશન પણ માથાના દુખાવાનું કારણ બની શકે છે, કારણ કે મગજને પૂરતો ઓક્સિજન અને લોહી મળતું નથી.
ડિહાઇડ્રેશનની અસર આપણી ત્વચા અને હોઠ પર પણ દેખાય છે. ત્વચા શુષ્ક અને નિર્જીવ લાગે છે, અને હોઠ વારંવાર ફાટવા લાગે છે. આ સંકેત દર્શાવે છે કે, શરીરના આંતરિક ભાગોમાં પાણીની ઉણપ છે, જેની અસર બહારથી પણ દેખાય છે. આ સંકેતોને સમજવું અને સમયસર પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp