મધ્યપ્રદેશમાં સર્જાયેલ ગંભીર અકસ્માતમાં ગુજરાતના જાણીતા સિંગર સહિત ૪ કલાકારોના મોત, ઘટના સ્થળે વાહનનો ભુક્કો નીકળી ગયો! જાણો વિગતો
મધ્યપ્રદેશના શિવપુરીમાં શનિવારે વહેલી સવારે ગુજરાતની એક ટ્રાવેલર બસના ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત નેશનલ હાઈવે-46 પર સવારે 5.30 વાગ્યે થયો હતો. એક ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે થયેલ આ અકસ્માતમાં બસમાં સવાર ગુજરાતના ઓરકેસ્ટ્રા ગ્રુપના એક સિંગર સહિત 4 લોકોના મોત થયા હતા. આ સાથે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમણે ત્વરિત સારવાર હેઠળ ખસેડાયા છે. ટક્કર એટલી ખતરનાક હતી કે બસના ચૂરે-ચુરા નીકળી ગયા હતાં.
માહિતી પ્રમાણે, શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત એક શિવ કથા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ ગુજરાત પાછા ફરી રહેલા ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યોની આ ટ્રાવેલર વહેલી સવારે અકસ્માતનો ભોગ બની હતી. ટ્રાવેલર્સ બસ સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી કે, જ્યારે તે બેકાબૂ થઈ, ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં પહોંચ્યા પછી આવી રહેલા ટ્રક સાથે ભયાનક રીતે અથડાઈ હતી.
જેમાં જાણીતા ગુજરાતી ગાયક હાર્દિક દવેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો રાજા ઠાકુર, અંકિત ઠાકુર અને રાજપાલ સોલંકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જયારે અન્ય 11 સભ્યોને ઇજાઓ પહોંચી છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. વિગતો મુજબ ઓરકેસ્ટ્રા ગ્રુપના તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી છે.
આ અકસ્માતમાં ઘટનાસ્થળે આબાદ બચેલ વિપુલ નામના ગાયકના જણાવ્યા પ્રમાણે, 'અમે બધા પર્ફોર્મન્સ બાદ અમારા ઘરો તરફ જઈ રહ્યા હતા. લગભગ 5:30 વાગ્યે, જ્યારે બધાને ઊંઘી રહ્યા હતાં, ત્યારે અચાનક અકસ્માત થયો. એ સમયે શું બન્યું તે કોઈને ખબર નથી. મહત્વનું છે કે, સુરવાયા પોલીસ ઘટના સ્થળે તરત પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઘટનાની વધુ તપાસ ચાલુ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ટ્રાવેલરના ડ્રાઈવરનો કાબૂ ગુમાવવો દુર્ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp