એશિયા કપ 2025 માટે ટીમની જાહેરાત હજુ બાકી છે, પરંતુ તે અગાઉ પૂર્વ ભારતીય સ્પિનર અને વર્લ્ડ કપ ચેમ્પિયન હરભજન સિંહે પોતાની પસંદગીની ભારતીય ટીમ પસંદ કરી છે. આ ટીમમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા છે. ભજ્જીએ સંજુ સેમસન, રિંકુ સિંહ અને તિલક વર્મા જેવા ખેલાડીઓને એશિયા કપમાં રમવાથી બાકાત રાખ્યા છે, જ્યારે શુભમન ગિલ, યશસ્વી જાયસ્વાલ અને શ્રેયસ ઐય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
હરભજન સિંહની ટીમનું સૌથી મોટું આશ્ચર્ય વિકેટકીપિંગ વિકલ્પ છે. તેમણે ટીમમાં રિષભ પંત અથવા કેએલ રાહુલમાંથી કોઈ એકને પસંદ કરવાની વાત કરી છે. તેના માટે, તેમણે ટોપ ફોર્મમાં રહેલા સંજૂ સેમસનને પડતો મૂક્યો છે, જેના કારણે ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. ભજ્જીના મતે, ‘કેએલ રાહુલ ખૂબ જ સારો વિકલ્પ હોઈ શકે છે. પંત અથવા રાહુલમાંથી કોઈ એક ટીમમાં હોવો જોઈએ.’
ભજ્જીએ પોતાની ટીમમાં 3 ફાસ્ટ બોલરોની પસંદગી કરી છે. તેમાં જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે તેણે સિરાજને મોહમ્મદ શમી અને હર્ષિત રાણાથી આગળ રાખ્યો છે. સ્પિન વિભાગમાં તેમણે કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રિયાન પરાગને તક આપી છે. એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે રિયાન પરાગને ટીમમાં સ્થાન આપવું એ ઘણા ક્રિકેટ ચાહકો માટે આશ્ચર્યજનક પગલું હોઈ શકે છે.
ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન અને IPL 2025ના બીજા સૌથી વધુ રન બનાવનાર શુભમન ગિલને પણ ભજ્જીએ એશિયા કપ ટીમમાં સામેલ કર્યો છે. તેમનુ કહેવું છે કે, ‘ગિલ આ ફોર્મેટને સારી રીતે રમવાનું જાણે છે અને તે એક એવો ખેલાડી છે જે લાંબી ઇનિંગ રમી શકે છે. તમે 20 ઓવરની મેચમાં માત્ર ચોગ્ગા અને છગ્ગા ફટકારીને જ રમી શકતા નથી, પરંતુ સ્થિરતા પણ જરૂરી છે.’
હરભજન સિંહે પસંદગ કરેલી એશિયા કપ ટીમ
ઓપનર્સ- યશસ્વી જાયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ
મિડલ ઓર્ડર- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર
વિકેટકીપર- કેએલ રાહુલ અથવા ઋષભ પંત
ઓલરાઉન્ડર/સ્પિન- રિયાન પરાગ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ
બોલર્સ- જસપ્રીત બૂમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, BCCI 19 ઓગસ્ટે એશિયા કપ માટે સત્તાવાર રીતે ટીમની જાહેરાત કરશે. ભારત 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમશે. આ દરમિયાન, હરભજનની આ ટીમ ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.