શું તમારા મનમાં છે શ્રાદ્ધ પક્ષને લઈને કોઈ મૂંઝવણ? તો આ રહ્યા તમારા બધા પ્રશ્નોના જવાબ, આજે જ જાણો.
09/06/2025
Religion & Spirituality
હિંદુ ધર્મમાં ખૂબ મહત્વનો ગણાતો પિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે. ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર સમયગાળા દરમિયાન પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ મહિમા છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે. વર્ષ ૨૦૨૫ માટે, શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ 8મી સપ્ટેમ્બર, સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે. પિતૃપૂજન ફક્ત પોતાના કુટુંબીજનો પૂરતું સીમિત નથી, પરંતુ મોસાળ, મિત્રો અને હિતેચ્છુઓને પણ આદરપૂર્વક પિતૃદેવ ગણી શ્રદ્ધા અર્પણ કરવી જોઈએ.
પિતૃ પક્ષ દરમ્યાન લોકો પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અલગ અલગ પ્રકારના પુણ્ય કાર્ય અને દાન કરે છે. પિતૃ પક્ષ સંબંધિત કેટલાક નિયમો પણ છે જેને જાણી લેવા જોઈએ. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે જેમાં અલગ અલગ તિથિ પર લોકો પોતાના પૂર્વ જ અને પિતૃઓની પૂજા કરે છે અને તેમની તૃપ્તિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન જેવી વિશેષ પૂજાઓ કરે છે. તેથી જ આ સમય દરમિયાન કેટલાક કાર્ય કરવા અશુભ ગણાય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણને ભોજન કરાવવાથી લઈને તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરે તો તેને પિતૃદોષથી છુટકારો મળે છે.
પિતૃ પક્ષ દરમિયાન શું ન કરવું?
- પિતૃ પક્ષ દરમ્યાન ડુંગળી લસણ સહિત તામસીક વસ્તુઓનું સેવન કરવું નહીં.
- આ સમય દરમિયાન સગાઈ, લગ્ન કે માંગલિક કાર્ય કરવા પર પણ રોક હોય છે.
- માન્યતા છે કે પિતૃ પક્ષ દરમ્યાન નવા કપડા કે જૂતા પણ ખરીદવા નહીં.
- પિતૃ પક્ષ દરમ્યાન વાળ કાપવા, નખ કાપવા અને દાઢી કરવાથી પણ બચવું જોઈએ.
- પિતૃપક્ષ ચાલતો હોય ત્યારે સોનુ કે ચાંદી ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે.
- પિતૃ પક્ષ દરમ્યાન ગૃહ પ્રવેશ કરવાની મનાઈ હોય છે. માન્યતા છે કે આમ કરવાથી અશુભ ફળ મળે છે.
પિતૃ પક્ષમાં શું કરવું?
- પિતૃ પક્ષમાં બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેમને વસ્ત્રનું દાન કરવું તેમજ શ્રાદ્ધ કર્મ કરવું શુભ ગણાય છે.
- પિતૃ પક્ષ દરમ્યાન ગાય, કુતરા, કાગડા અને કીડીને ભોજન કરાવવું લાભકારી માનવામાં આવે છે.
- પિતૃ પક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
- પિતૃસૂક્ત અને ગજેન્દ્રમોક્ષના પાઠ વાંચવાથી કે સાંભળવાથી પિતૃઓને સદ્દગતિ મળે છે અને દોષ દૂર થાય છે.
- શિવ મંદિરમાં શિવલિંગ અને નાગ પર જળ અભિષેક કરવાથી અને પીપળાના વૃક્ષને જળ સિંચન કરવાથી પણ પિતૃઓને શાંતિ મળે છે.
- પિતૃપક્ષ દરમિયાન ઘરમાં ગુગળનું ધૂપ કરવો અને તેમાં જવ, તલ અને પતાસાંના ટુકડા નાખવા જોઈએ. આ ધૂપ કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને ઘરમાં શાંતિ તથા પ્રગતિ થાય છે.
- જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય તેમણે પિતૃ પક્ષ દરમિયાન ધાર્મિક સ્થાન પર જઈને પિંડદાન કરવું શુભ ગણાય છે.
મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ
શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્વ હોય છે. નવમી તિથિને સૌભાગ્યવતી સ્ત્રીના શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય. બારસની તિથિના દિવસે સંન્યાસીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે. ચૌદશની તિથિનો દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે. આ ભાદરવી અમાસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષની છેલ્લી તિથિ એટલે કે સર્વપિતૃ અમાસનો દિવસ આ ખાસ હેતુ માટે જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે, જેમને પોતાના પિતૃઓની મૃત્યુતિથિ યાદ ન હોય, તેઓ બધા પિતૃઓનું એકસાથે શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. સીધી ખબર તેની પુષ્ટિ કરતું નથી.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp