રાજીનામાં બાદ શું કરી રહ્યા છે જગદીપ ધનખડ? વિપક્ષના સવાલોનો મળી ગયો જવાબ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ વિપક્ષ શાસક ભાજપ પર જોરદાર પ્રહાર કરી રહ્યું છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ સવાલ કર્યો કે અચાનક રાજીનામા બાદ જગદીપ ધનખડ ક્યાં ગાયબ થઈ ગયા છે? વિપક્ષના સવાલો વચ્ચે, PTIના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘ધનખડ આ દિવસોમાં ટેબલ ટેનિસ રમી રહ્યા છે અને શુભેચ્છકો અને સ્ટાફ સાથે યોગ કરી રહ્યા છે.’
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે 9 ઓગસ્ટે એક વીડિયો જાહેર કરીને ગૃહમંત્રી અમિત શાહને સવાલ કર્યો હતો કે રાજીનામા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ક્યાં છે? તેમણે કહ્યું કે, 22 જુલાઈએ આપણાં ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું હતું અને આજે 9 ઓગસ્ટ છે, તે દિવસથી અમને ખબર નથી કે તેઓ ક્યાં છે.
કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં નથી. તેમણે કહ્યું, પહેલા દિવસે મેં તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને તેમના અંગત સચિવને ફોન કર્યો તો તેમણે કહ્યું કે તેઓ આરામ કરી રહ્યા છે. સિબ્બલે કટાક્ષ કરતા કહ્યું, મેં ગુમ થયેલી મહિલાઓ વિશે સાંભળ્યું છે, પરંતુ ગુમ થયેલા ઉપરાષ્ટ્રપતિ બાબતે સાંભળ્યું નથી.
જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનો કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ અગાઉ રાજીનામું આપી દીધું હતું. વી.વી. ગિરી અને આર. વેંકટરામન બાદ પદ છોડનારા તેઓ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે. તેમના રાજીનામા બાદ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.
ધનખડના રાજીનામાં બાદ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે નામાંકન માટેની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ નક્કી કરી હતી, જ્યારે 25 ઓગસ્ટ સુધી નામ પાછા ખેંચી શકાય છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. વિપક્ષે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp