‘ભારત-ચીન પર લગાવી દો 100% ટેરિફ’, અમેરિકાએ EU બાદ હવે આ સમૂહને કરી અપીલ
રશિયા પર આર્થિક દબાણ વધારવા માટે અમેરિકાએ પોતાના સાથી દેશો પર એક નવો દાવ ખેલ્યો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે, G7 દેશો ભારત અને ચીન પાસેથી રશિયન તેલ ખરીદી પર 50-100 ટકા સુધીના ભારે ટેરિફ લગાવે. આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે G7 દેશોના નાણામંત્રીઓ શુક્રવારે વીડિયો કોલ દ્વારા મળશે. ટ્રમ્પે અગાઉ યુરોપિયન યુનિયનને બીજિંગ અને નવી દિલ્હી પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાની અપીલ કરી છે.
અમેરિકન ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ચીન અને ભારત દ્વારા ખરીદાયેલ રશિયન તેલ પુતિનના યુદ્ધ મશીનને ચલાવી રહ્યું છે અને યુક્રેનિયન લોકોની હત્યાને લાંબી ખેંચી રહ્યું છે. યુદ્ધ સમાપ્ત થતા જ આ ટેરિફ હટાવી દેવામાં આવશે.’ અમેરિકા તેને પોતાના ‘પીસ એન્ડ પ્રોસ્પેરિટી એડમિનિસ્ટરેશન’માં એક મહત્ત્વપૂર્ણ કડી ગણાવી રહ્યું છે, જેના હેઠળ રશિયાને શાંતિ વાટાઘાટો માટે ટેબલ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અગાઉ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ને અપીલ કરી હતી કે ભારત અને ચીન પર 100 ટકા સુધીના ટેરિફ લગાવે. ટ્રમ્પનું કહેવું છે કે આમ કરવાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આર્થિક દબાણ વધશે. એક અમેરિકન અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે જો તેના યુરોપિયન ભાગીદારો તેમને ટેકો આપશે તો જ અમેરિકા આ પગલું ભરશે. આ પગલાનો ઉદ્દેશ્ય ભારત અને ચીનને રશિયન તેલ ખરીદવાથી રોકવાનો છે, જેથી યુદ્ધ માટે રશિયાને મળતો આર્થિક સહયોગ રોકી શકાય.
જોકે, યુરોપિયન યુનિયન (EU) તેના પર સહમત હોય તેવું લાગતું નથી. બ્રસેલ્સનું માનવું છે કે ભારત અને ચીન જેવા મોટા વ્યાપારિક ભાગીદારો પર ભારે ટેરિફ આર્થિક જોખમો અને બંદલો બંનેની આશંકા ઊભી કરે છે. EU તેના બદલે 2027 સુધીમાં રશિયન ઊર્જા પરની પોતાની નિર્ભરતા સમાપ્ત કરવા અને નવા કડક પ્રતિબંધો લાદવાના પક્ષમાં છે.
હાલમાં G7ની અધ્યક્ષતા કરી રહેલા કેનેડાએ બેઠકની પુષ્ટિ કરતા કહ્યું કે તે રશિયાની યુદ્ધ ક્ષમતા પર વધુ દબાણ વધારવા માટે આગળના પગલાં ઉઠવાવ પર વિચાર કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp