બીજેપીથી ડરેલા ઠાકરે બંધુઓ ૨૦ વર્ષે એક સાથે! કહ્યું - મુંબઈ અમારા ઝઘડાથી મોટું, મુંબઈનો મેયર મરાઠી....જાણો
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીની યુતિના મહાવિજય બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારો વર્તાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં બીજેપીની વધતી મજબુતાઈ સામે ટકી રહેવા 20 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળશે. શિવસેના અને રાજ ઠાકરેએ ગઠબંધન જાહેર કરતાં જણાવ્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. મુંબઈમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. બંને પક્ષે બીએમસીની કુલ 227 બેઠકની વહેંચણી પણ કરી લીધી છે.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત ઠાકરે જ કરી શકે. મહારાષ્ટ્રના આંદોલનમાં 107 લોકોના મોત થયા હતા. તે આંદોલનની આગેવાની અમારા દાદાએ કરી હતી. મારા અને રાજ ઠાકરેના પિતા પણ તે આંદોલનમાં સામેલ હતા. મરાઠીઓના અધિકાર માટે શિવસેનાની સ્થાપના થઈ હતી. અમે દિલ્હીમાં બેઠેલા લોકોને રોકવા સાથે આવ્યા છીએ. અમારી વિચારધારા એક જ છે. અમને મરાઠીઓના બલિદાન યાદ છે. આ વખતે અમારે તૂટવાનું નથી. જો એવું થયું તો તે બલિદાનોનું અપમાન ગણાશે. જ્યારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે. આજે અમે બંને ભાઈ સાથે છીએ. સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી. મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો હશે.
હાલમાં જ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધન હેઠળની મહાયુતિ સામે કારમા પરાજયનો સામનો કર્યા બાદ ઠાકરે બંધુઓએ એક થવાનો નિર્ણય કર્યો હતો. માહિતી મુજબ, બીએમસીની કુલ 227 બેઠક પૈકી શિવસેના 145-150 અને રાજ ઠાકરેની મનસે 65-70 બેઠક ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે, આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા.
મહારાષ્ટ્રની 228 નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ)ની મહાયુતિએ 22 ડિસેમ્બરે જોરદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં મહાયુતિએ 207 અધ્યક્ષ પદ જીત્યા હતા. ભાજપ એકલા હાથે 117 બેઠક પર જીત હાંસલ કરીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. આ ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપી (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન માંડ 44 બેઠક જીત્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp