સુરત: શહેરના ગીચ વસ્તી ધરાવતા ઝાંપા બજાર વિસ્તારમાં દેવડી મુબારક પાસેની ચાર ગલીઓ વ્હોરા સમાજના દાવત ટ્રસ્ટને ફાળવી દેવાનો તઘલખી નિર્ણય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. એ પછી SidhiKhabar.comદ્વારા વખતોવખત આ મુદ્દે પ્રજાનો પક્ષ અને આક્રોશ રજુ કરાયો હતો. જો કે આ મામલે તંત્ર અગમ્ય કારણોસર સામી ચૂંટણીએ લોક રોષને અવગણતું આવ્યું છે.
ગત સપ્ટેમ્બર માસમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકો દ્વારા એવો નિર્ણય લેવાયો કે દાવત ટ્રસ્ટને ચાર ગલીઓ સુવાંગપણે સોંપી દેવાને બદલે એ ગલીઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવી! એક રીતે જુઓ તો આ ગલીઓ વાહનો માટે બ્લોક કરી દેવાનું કૃત્ય આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓને અને સ્થાનિક લોકોની અગવડને વકરાવી મારે!
સરળતાથી સમજી શકાય એવો આ સીધો સાદો મુદ્દો શહેરના શાસકો અગમ્ય કારણોસર અવગણતા રહયા. સાથે જ સ્થાનિક પ્રજામાં (જેમાં હિન્દૂ, મુસ્લિમ અને ખુદ વ્હોરા સમાજના લોકોનો પણ સમાવેશ થાય છે) આ મુદ્દે આક્રોશ ભભૂકતો રહ્યો! પરંતુ લોકોના આક્રોશ અંગે રજૂઆત કરી શકે એવું નેતૃત્વ જડતું નહોતું. આખરે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ કોર્પોરેશનને નોટિસ ફટકારવાની હિંમત દેખાડી છે.
વિજય પાનશેરિયાએ જે મુખ્ય આક્ષેપો કર્યા હતા, તે મુજબ સદર કામમાં કાયદાકીય ઉલ્લંઘન થયું છે. જે મુજબ, GPMC એક્ટની કલમ ૨૦૩, ૨૦૪, ૨૦૬, ૨૧૦, ૨૮૪ અને ૭૭નું પાલન કર્યા વિના રોડ બંધ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. વળી, આમાં જન હિતનું નુકસાન પણ સામેલ થાય છે. જેમકે, ગામતળના પબ્લિક રોડને દાવત પ્રોપર્ટીઝ ટ્રસ્ટને આપવાથી આસપાસના વિસ્તારોમાં ૨ કિમી વધુ ફરવું પડશે, જે જીવન જોખમી છે અને આર્ટિકલ ૧૯, ૨૧નું ઉલ્લંઘન છે.
આ કેસમાં હાઇકોર્ટે છેલ્લા દસ વર્ષથી સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અગાઉ વ્હોરા સમાજના જ સમાજ સેવિકા ઝેહરાબેન સાઇકલ વાળા સફળ લડત ચલાવી ચુક્યા છે. તેમ છતાં શાસકોએ આ મામલે મનસ્વી વલણ અપનાવ્યું છે. આ વલણ સામે જંગે ચડેલા વિજય ભાઈએ જરૂર પડે તો આખી મેટર કોર્ટમાં લઇ જઈને છેલ્લે સુધી લડી લેવાની તૈયારી દાખવી છે.
અહીં પ્રશ્ન એ છે કે હાઇકોર્ટ, હિંદુત્વ અને લોક આક્રોશ બાજુએ મૂકીને સરકારી તંત્ર શા માટે સમયાંતરે આ મુદ્દે સંદિગ્ધ વલણ અપનાવતું રહે છે? અમુક સ્થાનિકોએ નામ ન આપવાની શરતે SidhiKhabar.comને જણાવ્યું હતું કે દાયકાઓ અગાઉ સ્વ. શ્રી કાશીરામ રાણા સહિતના સિનિયર નેતાઓ સમક્ષ પણ દેવડી મુબારક વિસ્તારની ચાર ગલીઓ વ્હોરા ટ્રસ્ટને ફાળવી આપવા અંગે ઓફર આવી હતી. પણ પ્રજાની નાડ પારખતા આ નેતાઓ આ મામલામાં પડયા નહોતા.
અત્યારે એવું લાગે છે કે આ મામલો હવે હાઇકોર્ટમાં જઈને જ જંપશે. લોકરોષને અવગણતા આવેલા શાસકોના મનમાં પૂર્વ કોર્પોરેટરે ફટકારેલી નોટીસ કેવીક ગડમથલ ચાલતી હશે એ કલ્પનાનો વિષય છે.