'મુખ્યમંત્રી પદ માટે ૫૦૦ કરોડ નથી' કોંગ્રેસના પૂર્વ સંસદના નિવેદનથી કોંગ્રેસ ભડકી, જાણો સમગ્ર મામલો
કોંગ્રેસ પાર્ટી જેણે દેશની સૌથી શસક્ત પાર્ટી મનાય છે તે ફરી એકવાર પોતાના જ નેતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. કોંગ્રેસની નેતા તથા પૂર્વ સાંસદ નવજોત કૌર સિદ્ધુએ દાવો કર્યો છે કે, કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવા માટે ₹500 કરોડ ચૂકવવા પડે છે. નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુના નિવેદન પર કોંગ્રેસમાં ઘમસાણ શરૂ થયું છે. જે બાદ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આ બંને પક્ષના નેતાઓ કહી રહ્યા છે કે, કોંગ્રેસ ધન સંપત્તિના રાજકારણમાં લિપ્ત છે અને સિદ્ધુના પત્નીએ તે સત્ય બહાર લાવ્યા છે.
નોંધનીય છે કે એક ઇન્ટરવ્યુમાં નવજોત કૌર સિદ્ધુને સવાલ કરવામાં આવ્યો હતો કે, જો કોંગ્રેસ પાર્ટી તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુને CMનો ચહેરો જાહેર કરે તો શું તે સક્રિય રાજકારણમાં પરત ફરશે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમે હંમેશા પંજાબ અને પંજાબીયતની વાત કરતા આવ્યા છીએ. પણ અમારી પાસે મુખ્યમંત્રીની ખુરશી લેવા માટે 500 કરોડ રૂપિયા નથી.
તેમની આ ટીપ્પણી પર આમ આદમી પાર્ટીના નેતા બલતેજ પન્નુએ કહ્યું હતું કે, નવજોત કૌરે કોંગ્રેસનું સત્ય આજે ઉજાગર કર્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ કેવી રીતે નક્કી કરાય છે. કોંગ્રેસમાં આ પદ લેવા માટેના પૈસા ક્યાંથી આવે છે? અને આ રકમ કોને આપવામાં આવે છે? જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવા માટે કોઈ માપદંડ નથી. કોંગ્રેસમાં હજુ પણ લૂંટારાઓ જ ઊંચા પદો પર વિરાજમાન છે. તેમણે દાવો કર્યો કે કેટલાક કિસ્સાઓમાં 350 કરોડના સોદાની વાતો સાંભળવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે વધુ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની ખુદ કહી રહી છે કે મુખ્યમંત્રી પદ ખરીદી શકાય છે, ત્યારે તે પક્ષના નૈતિક પતનનું જીવંત ઉદાહરણ છે. ચુગે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પંજાબની લોકશાહી પ્રક્રિયાને ‘પૈસાથી ચાલતી હરાજી’માં ફેરવી દીધી છે.
ત્યારે આ મામલે કોંગ્રેસના નેતાઓ નવજોત કૌર સિદ્ધુના આ નિવેદનનો વિરોધ કરી ખોટું ગણાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે સિદ્ધુ પરિવાર જે 'મિશન' પર કોંગ્રેસમાં જોડાયો હતો તે હવે પૂરું થઈ ગયું છે. નવજોત સિંહ સિદ્ધુને પંજાબમાં નેતૃત્વ અપાયું કારણ કે તેમના પિતા કોંગ્રેસના નેતા હતા. કોંગ્રેસે જ્યારે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા ત્યારે શું તેમણે પૈસા આપ્યા હતા? ત્યારે તેમણે કોને સુટકેસ આપ્યો હતો, તેની તપાસ થવી જ જોઈએ. રંધાવાના અનુસાર સિદ્ધુએ પૂર્વમાં વિરોધ પક્ષની સ્ક્રિપ્ટ બોલીને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp