મણિપુર હિંસા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી મોદી પૂર્વના રાજ્યોના ઐતિહાસિક પ્રવાસે, જાણો વિપક્ષની પ્રતિક્રિયા!?
09/12/2025
National
બહુચર્ચિત મણિપુર હિંસાના વિવાદ બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેવા જઈ રહ્યા છે. તેઓ સૌપ્રથમ મિઝોરમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, પીએમ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ પછી, પ્રધાનમંત્રી મણિપુરની મુલાકાત લેશે અને બપોરે 12:30 વાગ્યે ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી, અહીં હાજર જનતાને સંબોધિત કરશે.
પીએમ મોદી બપોરે 2:30 વાગ્યે ઇમ્ફાલમાં 1,200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને એક જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી, પ્રધાનમંત્રી આસામની મુલાકાત લઈ સાંજે 5 વાગ્યે ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિ સમારોહમાં હાજરી આપશે. 14 સપ્ટેમ્બરના રોજ, પીએમ આસામમાં 18,530 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સવારે લગભગ 11 વાગ્યે દારંગમાં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી એક જાહેર સભાને સંબોધિત કરશે.
પીએમ મોદી બપોરે 1:45 વાગ્યે ગોલાઘાટ ખાતે આસામ બાયો-ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડના નુમાલીગઢ રિફાઇનરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગોલાઘાટ ખાતે પોલીપ્રોપીલીન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. 15 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને સવારે 9:30 વાગ્યે કોલકાતામાં 16મી કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2025નું ઉદ્ઘાટન કરશે.
બંગાળ પ્રવાસ પછી પીએમ બિહાર જવા રવાના થશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ પૂર્ણિયામાં લગભગ 36,000 કરોડ રૂપિયાના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે. તેઓ બિહારમાં રાષ્ટ્રીય મખાના બોર્ડનું પણ લોન્ચિંગ કરશે.
આ બોર્ડ નવી ટેકનોલોજીના ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન આપશે, લણણી પછીના સંચાલનને મજબૂત બનાવશે, મૂલ્ય સંવર્ધન અને પ્રક્રિયાને પ્રોત્સાહન આપશે અને મખાનાના બજાર, નિકાસ અને બ્રાન્ડ વિકાસને સરળ બનાવશે, જેનાથી બિહાર અને દેશના મખાના ખેડૂતોને ફાયદો થશે.
મણિપુર પ્રવાસના બે દિવસ પહેલાં હિંસા ભડકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મણિપુર પ્રવાસના બે દિવસ પહેલાં ગુરુવારે રાત્રે ચુરાચાંદપુર જિલ્લામાં હિંસા ભડકી હતી. ઉપદ્રવીઓએ પીએમ મોદીના સ્વાગત માટે લગાવેલા પોસ્ટર અને બેનર ફાડી નાખ્યા હતા. તે ઉપરાંત બેરિકેડ્સ તોડી નાખ્યા અને તેમાં આગ લગાડી દીધી હતી. આ ઘટના ચુરાચાંદપુરના પીસોનમુન ગામમાં બની જે ચુરાચાંદપુર પોલીસ સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર દૂર છે. પોલીસે ઉપદ્રવીઓને ખદેડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જો કે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
ચુરાચાંદપુરની હિંસા પાછળ કુકી-ઝો સમુદાયનો ગુસ્સો હોવાનું માનવામાં આવે છે, જેમણે 2023ની હિંસામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં ખાલી તાબૂતો રાખ્યા હતા. કુકી-ઝો કાઉન્સિલ (KZC)એ પીએમના પ્રવાસને “દુર્લભ અને ઐતિહાસિક” ગણાવ્યો હતો, પરંતુ તેમણે રાજ્યથી અલગ યુનિયન ટેરિટરીની માંગ પુનરોચ્ચાર કરી છે. બીજી તરફ મૈતેઈ સમુદાયના જૂથોએ આ માંગનો વિરોધ કર્યો છે અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાગુ કરવાની માંગ કરી છે.
રાજકીય પ્રતિક્રિયા
કોંગ્રેસ દ્વારા પીએમ મોદીના આ 4-કલાકના ટૂંકા પ્રવાસને “નોન-વિઝિટ” ગણાવીને ટીકા કરાઈ છે, જેને તેઓ રાજ્યની જનતા માટે “અપમાન” ગણાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ પ્રવાસને 29 મહિનાની રાહ પછીના આ પગલાને નકામું ગણાવ્યું છે. જ્યારે, સ્થાનિક લોકો અને કેટલાક જૂથો આ પ્રવાસને આશાની કિરણ તરીકે જુએ છે.
મણિપુરના એકમાત્ર રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ પ્રધાનમંત્રીના પ્રવાસને રાજ્ય માટે અત્યંત સૌભાગ્યશાળી ગણાવ્યો હતો. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, “આ ખૂબ જ ખુશીની વાત છે કે પીએમ મોદી લોકોની મુશ્કેલીઓ સાંભળવા આવી રહ્યા છે. અગાઉના કોઈ પણ પ્રધાનમંત્રીએ આવા મુશ્કેલ સમયમાં મણિપુરની મુલાકાત લીધી નથી. મોદી પ્રથમ પ્રધાનમંત્રી છે જે આવા સંજોગોમાં રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે.”
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp