કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકે દાવો કર્યો કે 1990માં તેમની ધરપકડ બાદ, વીપી સિંહથી લઈને મનમોહન સિંહ સુધીની 6 સરકારોએ તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, આ સંપર્ક કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા માટે કરવામાં આવ્યા હતા. યાસીન મલિકે બીજા ઘણા મોટા દાવા કર્યા છે. મલિકે દાવો કર્યો હતો કે તેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી નેતાઓને પણ વાતચીતમાં સામેલ કરવામાં ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથેની વાતચીત સાર્થક નહીં થાય.
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, મલિકે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ 2006 માં ઇન્ટેલિજેન્સ બ્યુરો (IB)ના તત્કાલીન સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશીના અનુરોધ પર પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ અને અન્ય આતંકવાદીઓ સાથે મુલાકાત કરી હતી. તેના લેખિત સોગંદનામામાં તેણે જણાવ્યું હતું કે, ‘મને ખાસ કરીને હાફિઝ સઈદ અને અન્ય પાકિસ્તાની આતંકવાદી નેતાઓ સાથે આ બેઠક માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કારણ એ આપવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં બોમ્બ વિસ્ફોટોને કારણે આતંકવાદ અને શાંતિ મંત્રણા સાથે રહી શકતા નથી.
યાસીને દાવો કર્યો હતો કે આ બેઠકમાંથી ભારત પરત ફર્યા બાદ તે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) એન.કે. નારાયણન સાથે મુલાકાત કરી અને તેમને માહિતી આપી. તેણે કહ્યું કે, મેં તેમને (વડાપ્રધાન મનમોહન સિંહને) મારી બેઠકો અંગે માહિતી આપી અને શક્યતાઓથી અવગત કરાવ્યા.
આતંકવાદી યાસીન મલિકે દાવો કર્યો કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 2006માં લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક અને 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સાથે પાકિસ્તાનમાં મુલાકાત કર્યા બાદ વ્યક્તિગત રીતે આભાર માન્યો હતો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ બેઠક IBના સ્પેશિયલ ડિરેક્ટર વી.કે. જોશીના અનુરોધ પર જ શરૂ કરવામાં આવી હતી અને અંજામ આપવામાં આવ્યો, પરંતુ કમનસીબે, આ બેઠકને મારી વિરુદ્ધ એક અલગ સંદર્ભમાં રજૂ કરવામાં આવી.’
વાજપેયી સરકારમાં દોભાળ મુક્તિના સમાચાર સંભાળવવા આવ્યા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આતંકવાદના ભંડોળ કેસમાં યાસીન માટે મૃત્યુદંડની માગણી કરી હતી. તેના જવાબમાં યાસીને દિલ્હી હાઈકોર્ટમાં આ સોગંદનામું દાખલ કર્યું હતું. તેમાં યાસીન મલિકે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર સાથેના તેમના સંબંધો અને તત્કાલીન IBના સ્પેશિયલ ડિરેક્ટર અજિત ડોભાલ સાથેની તેની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે ડોભાલ 2000ના દાયકાની શરૂઆતમાં જેલમાં તેને મળ્યા હતા અને તેની મુક્તિની માહિતી આપી હતી. મલિકે કહ્યું, IBના સ્પેશિયલ ડિરેક્ટર અજિત કુમાર ડોભાલ મને નવી દિલ્હીમાં મળ્યા હતા અને સ્વતંત્ર રીતે IBના ડિરેક્ટર શ્યામલ દત્તા અને તત્કાલીન વડાપ્રધાનના NSA બ્રજેશ મિશ્રા સાથે મારા માટે બેઠક આયોજિત કરી હતી. બંનેએ કહ્યું કે આપણા વડાપ્રધાન કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાતચીત પ્રક્રિયા પ્રત્યે ગંભીર છે અને મારે તેમના રમઝાન યુદ્ધવિરામને સમર્થન આપવું જોઈએ.
આ ઉપરાંત યાસીને કહ્યું કે તેણે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને સામ્યવાદી નેતાઓ (જે તે સમયે વિરોધ પક્ષમાં હતા) સાથે પણ મુલાકાત કરી હતી જેથી તેમને કાશ્મીરમાં તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની શાંતિ પ્રક્રિયામાં સામેલ કરી શકાય.
તેણે કહ્યું કે, 2002માં મેં સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં એક હસ્તાક્ષર ઝુંબેશ શરૂ કરી હતી. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય કાશ્મીરમાં અહિંસક લોકશાહી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને કાશ્મીર વિવાદના ઉકેલ માટે વાતચીત પ્રક્રિયામાં કાશ્મીરી નેતૃત્વને સામેલ કરવાનો હતો. તે અત્યંત મુશ્કેલ હતું અને મને આસપાસના દરેક ગામ, શાળા અને કોલેજની મુલાકાત લેવામાં અઢી વર્ષ લાગ્યા, જ્યાં હું આ ઝુંબેશ માટે 1.5 લાખ હસ્તાક્ષર એકત્રિત કરવામાં સફળ રહ્યો.
યાસીન મલિકે વધુમાં જણાવ્યું કે 2004માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવ્યા બાદ, વડાપ્રધાન મનમોહન સિંહે 2006માં તેમને ઔપચારિક વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું, જ્યાં મનમોહન સિંહે તેને કહ્યું હતું કે, તેઓ કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માગે છે. આ બેઠક બાદ યાસીન મલિકે અમેરિકાનો પ્રવાસ કર્યો અને અમેરિકન વિદેશ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી. જોકે, ટૂંક સમયમાં તેમને વડાપ્રધાન સિંહના વિરોધનો વિરોધનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ મલિકે ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીને પત્ર લખ્યો.
પોતાના લેખિત નિવેદનમાં યાસીન મલિકે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય સરકારોએ તેને આંતરરાષ્ટ્રીય મંચ પર બોલવા માટે રાજી કર્યો હતો. મલિકે કહ્યું કે, મને ન માત્ર કાશ્મીર મુદ્દા પર બોલવા માટે સ્થાનિક મંચ પ્રદાન કરવામાં આવ્યું, પરંતુ સત્તામાં રહેલી સરકારોએ વારંવાર સક્રિય રીતે મને સામેલ કર્યો અને મને આંતરરાષ્ટ્રીય મંચ પર બોલવા માટે રાજી કર્યો.
તેણે કાશ્મીરી પંડિતોના નરસંહાર અને સામૂહિક બળાત્કારના આરોપોને પણ નકારી કાઢ્યા અને કહ્યું કે જો તે સાચા હોય, તો તે પોતે ફાંસી લગાવી લેશે. તેમણે કહ્યું કે, પાયાવિહોણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કાશ્મીરી પંડિતોનું પલાયન મારા દ્વારા શરૂ કરાયેલા કથિત નરસંહાર અને સામૂહિક બળાત્કારને કારણે થયું હતું. (જો આ સાચું સાબિત થાય તો) હું ટ્રાયલ વિના ફાંસી પર લટકી જઈશ અને મારું નામ ઇતિહાસના પાનામાં માનવજાત પર એક કલંક અને અભિશાપ તરીકે નોંધાવી દઇશ.
આ ઉપરાંત, મલિકે 2016માં કાશ્મીરમાં બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ પથ્થરમારાનું સમર્થન કરવાનો પણ ઇનકાર કર્યો. આ કેસની સુનાવણી નવેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટમાં થવાની છે. યાસીન મલિક હાલમાં આતંકવાદી ભંડોળના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.