કોર્ટે ક્રિકેટર પૃથ્વી શૉ પર લગાવ્યો 100 રૂપિયાનો દંડ, જાણો શું છે આખો મામલો
મુંબઈની ડિંડોશી સેશન્સ કોર્ટે ભારતીય ટીમના યુવા ક્રિકેટર પૃથ્વી શૉને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સપના ગિલની અરજી પર જવાબ દાખલ ન કરવા બદલ કોર્ટે આ કાર્યવાહી કરી છે. આ અગાઉ, કોર્ટે શૉને જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી, તેમ છતા તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.
આ આખો મામલો ફેબ્રુઆરી 2023નો છે જ્યારે સપના ગિલ અને પૃથ્વી શૉ વચ્ચે મુંબઈના અંધેરીમાં એક પબમાં ઝઘડો થયો હતો. સપના ગિલનો આરોપ છે કે, તેના એક મિત્રએ શૉ પાસેથી સેલ્ફી માગી હતી, પરંતુ શૉએ ના પાડી દીધી અને ફોન છીનવીને ફેંકી દીધો હતો. જ્યારે સપના ગિલે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે શૉ અને તેના મિત્રોએ તેને માર મારીને હેરાન કરી. સાથે જ શૉ પર છેડછાડનો પણ આરોપ લગાવ્યો.
આ ઘટના બાદ સપના ગિલે પોલીસમાં FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે કેસ ન નોંધ્યો. ત્યારબાદ તેણે અંધેરીમાં મેજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. એપ્રિલ 2024માં, મેજિસ્ટ્રેટ કોર્ટે સ્વીકાર્યું કે FIR નોંધવામાં વિલંબ થયો હતો, પરંતુ આરોપો ગંભીર છે, એટલે તપાસ જરૂરી છે. કોર્ટે સાંતાક્રુઝ પોલીસને કલમ 202 CRPC હેઠળ તપાસ કરવાનો અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.
સપના ગિલે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો અને કહ્યું કે પોલીસે શરૂઆતના તબક્કે FIR નોંધીને તેની જવાબદારી નિભાવી નથી. તેના વકીલ અલી કાશિફ ખાને કહ્યું કે, પોલીસનું આ વલણ પીડિતો સાથે અન્યાય છે અને તે દર્શાવે છે કે પોલીસ મશીનરી યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.
ડિંડોશી સેશન્સ કોર્ટના જજ એસ.એમ. અગરકરે આ કેસમાં જવાબ દાખલ કરવા માટે પૃથ્વી શૉના વકીલને વારંવાર સમય આપ્યો હતો. કોર્ટે ફેબ્રુઆરીમાં જ સૂચનાઓ આપી હતી, પરંતુ દર વખતે સમય માગવા છતા જવાબ દાખલ કરવામાં આવ્યો નહોતો. 13 જૂને, કોર્ટે તેને છેલ્લી તક ગણાવી હતી. હવે 9 સપ્ટેમ્બરના રોજ કોર્ટે કહ્યું કે, વારંવાર તક ન આપવા છતા જવાબ ન આવ્યો, એટલે 100 રૂપિયાનો દંડ ફટકારીને બીજી તક આપવામાં આવે છે. હવે જોવાનું બાકી છે કે શૉ આગામી સુનાવણીમાં જવાબ દાખલ કરશે. આ મામલે પોલીસ તપાસ રિપોર્ટ અને કોર્ટમાં શૉનો જવાબ બંને આગળની કાર્યવાહીને પ્રભાવિત કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp