ટ્રમ્પને ફરી યાદ આવ્યું ભારત! ટ્રેડ ડીલને લઈને કહી દીધી મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં સફળ પરિણામ નીકળશે. તેઓ આગામી અઠવાડિયામાં તેમના 'ખૂબ જ સારા મિત્ર' વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા આતુર છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું કે, તેમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ રાખી રહ્યા છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર, વડાપ્રધાન મોદી સાથે વાત કરવા આતુર છું. મને પૂરી ખાતરી છે કે આ વાતચીતનું આપણા બંને મહાન દેશો માટે સફળ નિષ્કર્ષ નીકળશે.’
આ અગાઉ શનિવારે, ટ્રમ્પે અમેરિકા-ભારત સંબંધોને 'ખાસ' ગણાવ્યા હતા અને તેમના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, હું હંમેશાં વડાપ્રધાન મોદીનો મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે. હું હંમેશાં મિત્ર રહીશ, પરંતુ મને તેઓ હાલમાં જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. ચિંતાની કોઈ વાત નથી. બસ ક્યારેક ક્યારેક અમારી વચ્ચે કેટલાક મતભેદો હોય છે.’
જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને આપણા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ખૂબ પ્રશંસા કરું છું અને તેનો સંપૂર્ણ સ્વીકાર કરું છું. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp