'ભારત પર ૧૦૦% ટેરિફ લગાવો!' ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત સાથેનું બેવડું વલણ, બીજી તરફ કહ્યું - 'પીએમ મોદી સાથે વાત કરવા આતુર!' જાણો વિગતો
એક તરફ પીએમ મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવી ભારત સાથે નેવીગેશનની વાતો કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી તરફ ભારત સામે વધુ ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા હોય તેવું માલુમ પડી રહ્યું છે. અમેરિકાના અધિકારીઓ અને યુરોપિયન યુનિયનના વ્યૂહનીતિકારોના અહેવાલ અનુસાર ટ્રમ્પે ઈયુને કહ્યું છે કે, 'ભારત સામે 100% ટેરિફ લગાવી દો.' જો કે, EU દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મળતી માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ઈયુના અધિકારીઓને આ ભલામણ કરતાં કહ્યું હતું કે, જો ભારત અને ચીન સામે 100% ટેરિફ લગાવશો તો જ રશિયા પર દબાણ વધશે અને તેનાથી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારત પર પહેલાથી જ 25+25 ટકા, એટલે કે કુલ 50 ટકા ટેરિફ લાદી દીધો છે. આ ટેરિફ ભારત પર રશિયન તેલ ખરીદવા બદલ દંડ તરીકે લદવામાં આવ્યો છે. જો કે ભારતે પણ સ્પષ્ટ કર્યું છે, કે યુએસ અને યુરોપિયન યુનિયન રશિયન તેલ ખરીદવા માટે તેને લક્ષ્ય બનાવી રહ્યા છે. ચીન અને ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર છે, પરંતુ ટ્રમ્પે ચીન પર 30 ટકા ટેરિફ લાદ્યો છે, જે ભારત કરતા ઘણો ઓછો છે.
ટ્રમ્પનું માનવું છે, કે ચીન અને ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે. તેમના પૈસાથી જ રશિયાનું અર્થતંત્ર મજબૂત થઇ રહ્યું છે. અને તેથી જ 2022થી રશિયા સતત યુક્રેન સામેના યુદ્ધમાં લીડ મેળવી રહ્યું છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક કોન્ફરન્સ કોલના માધ્યમથી ઈયુના અધિકારીઓને આ અપીલ કરી હતી. ઈયુનું એક પ્રતિનિધિમંડળ હાલમાં વોશિંગ્ટનમાં છે અને તેમની સાથે ટ્રમ્પે પ્રતિબંધો વિશે વાતચીત પણ કરી હોવાની ચર્ચા છે. ઈયુના અધિકારીઓનું કહેવું છે, કે જો ઈયુ ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ ઝીંકશે તો અમેરિકા પણ બંને દેશો સામે 100% ટેરિફ ઝીંકી દેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp