ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે ભારતમાં નવા રાજદૂત તરીકે સર્જિયો ગોરની પસંદગી કરી? જાણો કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં આગામી યુએસ રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂક કરી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ગોરને અભિનંદન આપ્યા છે. અને ભારત-અમેરિકા સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. ગોરની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ વધી ગયો છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ગોરને અભિનંદન આપતા કહ્યું હતું કે, 'સર્ગીયો ગોરને ભારતમાં આગામી યુએસ રાજદૂત તરીકે નિમણૂક કરવાના નિર્ણયથી હું ઉત્સાહિત છું.' રુબિયોએ કહ્યું હતું કે, ભારત વિશ્વમાં અમેરિકા માટે સૌથી મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે. અને ગોર અહીં અમેરિકાના ઉત્તમ પ્રતિનિધિ રહેશે. ભારતમાં ગોરની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તણાવ છે. અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જેમાં 25% ટેરિફ દંડ તરીકે લાદવામાં આવ્યો છે. અને આ દંડ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લાદવામાં આવ્યો છે.
38 વર્ષીય ગોર હાલમાં વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર છે. તેઓ ભારતમાં 26મા યુએસ એમ્બેસેડર હશે. એરિક ગારસેટ્ટીએ પદ છોડ્યાના 7 મહિના પછી, અમેરિકાએ ભારતમાં તેના કાયમી રાજદૂતની નિમણૂક કરી છે. ગારસેટ્ટી મે 2023 થી જાન્યુઆરી 2025 સુધી રાજદૂત હતા.
આ સાથે, ડોનાલ્ડ ટ્રમ્પે સર્જીયો ગોરને તેમના નજીકના સાથી, મિત્ર અને વિશ્વાસુ ગણાવ્યા હતા, જેના પર તેઓ સંપૂર્ણ વિશ્વાસ કરી શકે છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ગોરની નિમણૂકની જાહેરાત કરી. તેમણે કહ્યું, 'મને જાહેરાત કરતા આનંદ થાય છે કે હું સર્જીયો ગોરને ભારતમાં અમારા આગામી યુએસ એમ્બેસેડર અને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકે પ્રમોટ કરી રહ્યો છું.'
ટ્રમ્પે કહ્યું કે પ્રેસિડેન્શિયલ પર્સનલ ડિરેક્ટર તરીકે, ગોર અને તેમની ટીમે રેકોર્ડ સમયમાં દરેક વિભાગમાં લગભગ 4 હજાર દેશભક્તોની નિમણૂક કરી છે. અમારા વિભાગો અને એજન્સીઓ 95% થી વધુ ભરેલી છે. સર્જિયો તેમની નિમણૂકની પુષ્ટિ ન થાય ત્યાં સુધી વ્હાઇટ હાઉસમાં તેમની વર્તમાન ભૂમિકામાં રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp