Russia Earthquake: આ તબીબોને સલામ! ખતરનાક ભૂકંપ વચ્ચે પણ રશિયન ડૉકટરોએ ન રોકી સર્જરી, હાલતું રહ્યું ક્લિનિક અને ચાલતું રહ્યું ઓપરેશન; જુઓ વીડિયો
Russia Earthquake: બુધવારે સવારે રશિયામાં ખૂબ જ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ ભારે નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે. રશિયાના અંતરિયાળ પૂર્વીય ક્ષેત્ર કામચટકામાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી છે, જે અત્યંત ખતરનાક માનવામાં આવે છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે હતું, જેના કારણે સમુદ્રમાં ઉછળતા વિશાળ મોજાઓને કારણે ખૂબ નુકસાન થયું છે. ભૂકંપ બાદ, જાપાન અને અમેરિકન એજન્સીઓએ તેમના દરિયાઈ વિસ્તારોમાં ત્સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે. ભૂકંપ અને તેના કારણે થયેલા વિનાશ વચ્ચે રશિયાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટરોની તત્પરતા દેખાઈ રહી છે.
રશિયાની સરકારી ટેલિવિઝન નેટવર્ક રશિયા ટૂડે (RT)એ પોતાના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે ડૉક્ટરો દર્દીની સર્જરી કરી રહ્યા છે અને ભૂકંપના ઝટકા અનુભવાય છે, નજીકમાં બેઠેલા અન્ય એક ડૉક્ટર પણ દર્દીની સુરક્ષા માટે સર્જરી બેડ નજીક આવી જાય છે. CCTVમાં કેદ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના જોરદાર ઝટકા વચ્ચે પણ, ડૉક્ટર દર્દીની સર્જરી ચાલુ રાખી રહ્યા છે અને અન્ય ડૉક્ટરો તેની સુરક્ષા માટે તેને પકડી રહ્યા છે. ભૂકંપના જોરદાર ઝટકા વચ્ચે પણ ડૉક્ટરો જે શાંતિથી પોતાનું કામ કરતા રહ્યા તેની હવે ખૂબ પ્રશંસા થઈ રહી છે.
RT દ્વારા શેર કરાયેલા વીડિયો પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભૂકંપ પૂરો થયો અને સર્જરી પૂર્ણ થઈ ત્યાં સુધી બધા ડૉક્ટરો દર્દીની નજીક ઉભા રહ્યા. રશિયન આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દર્દીની સર્જરી સફળ રહી અને હવે તે સારી સ્થિતિમાં છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રશિયન ડૉક્ટરોની આ ભાવનાને સલામ કરી રહ્યા છે અને તેમને બહાદુર કહી રહ્યા છે.
કામચટકામાં આવેલા ભૂકંપને કારણે અંતરિયાળ રશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 4 મીટરથી વધુ ઊંચા ત્સુનામીના મોજા ઉઠ્યા હતા. ભૂકંપને કારણે ઇમારતોને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જોકે, જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
Doctors in Kamchatka kept calm during the powerful quake — and never stopped the surgery They stayed with the patient until the end The patient is doing well, according to the Health Ministry pic.twitter.com/swtdBFSpm5 — RT (@RT_com) July 30, 2025
Doctors in Kamchatka kept calm during the powerful quake — and never stopped the surgery They stayed with the patient until the end The patient is doing well, according to the Health Ministry pic.twitter.com/swtdBFSpm5
પ્રાદેશિક અધિકારીઓ અને રશિયન કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે ત્સુનામીના મોજાઓએ સૌપ્રથમ કામચટકાના કેટલાક ભાગોમાં વિનાશ વેર્યો હતો, જેથી બંદર અને સેવેરો-કુરિલ્સ્ક શહેરમાં એક માછલી પ્રોસેસિંગ પ્લાન્ટ આંશિક રીતે પાણીમાં ડૂબી ગયો હતો અને નજીકમાં ઉભેલા જહાજો પાણીમાં તણાઈ ગયા.
ભૂકંપ બાદ, અમેરિકા અને જાપાનમાં ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓએ અલાસ્કા અને હવાઈ સહિત ઘણા વિસ્તારો માટે ત્સુનામીની ચેતવણી જાહેર કરી છે. અમેરિકન રાજ્ય હવાઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિસ્તાર ખાલી કરવા અને ઊંચા સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે અને અમેરિકન કોસ્ટ ગાર્ડે જહાજોને સમુદ્રમાં જવાની મનાઈ ફરમાવી છે.
ત્સુનામી ચેતવણી બાદ, જાપાને તેના ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને ખાલી કરાવી દીધો છે. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ કહ્યું છે કે, અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને લોકોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાપાનના સ્થાનિક પ્રસારણકર્તા NHKએ જણાવ્યુ કે, ત્સુનામીના મોજા હોક્કાઇડો પ્રાંતના ઉત્તરીય ભાગ સુધી પહોંચી ચૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp