જરા જુદી માટીના આ માણસે એક આદિવાસી ગામમાં કર્યો એવો ચમત્કાર કે...

જરા જુદી માટીના આ માણસે એક આદિવાસી ગામમાં કર્યો એવો ચમત્કાર કે...

07/29/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

જરા જુદી માટીના આ માણસે એક આદિવાસી ગામમાં કર્યો એવો ચમત્કાર કે...

સુરત : સુરતના એક વ્યક્તિએ અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક ગામમાં એવો ચમત્કાર કરી બતાવ્યો છે, કે ગામની આવનારી પેઢીઓ એને યાદ કરશે.

આજે ૨૯ જુલાઈએ હાર્દિક જરીવાળાની ૨૧મી પુણ્યતિથી છે. જો કે આ વાત હાર્દિક વિષે નહિ પણ એના પિતા વિષે છે. હાર્દિક પોતે તો માત્ર ૧૨ વર્ષ જીવ્યો. ઇસ ૧૯૯૯માં એક અકસ્માતે નાનકડા હાર્દિકનો ભોગ લીધો! સ્વાભાવિક રીતે જ આવી દુર્ઘટના બાદ પરિવાર ઉપર આભ તૂટી પડે! સંતાનને કેન્દ્રમાં રાખીને જે સપના માં-બાપે જોયા હોય, એ બધા જાણે ઘડી-બેઘડીમાં કડડભૂસ થઈ જાય!

પણ હાર્દિકના પિતા રાજ જરીવાળા જરા જુદી માટીના માણસ છે. એકવડીયા બાંધો ધરાવતા આ માણસે વિચાર્યું કે એક દીકરો ભલે ગયો, સમાજમાં બીજા અનેક બાળકોનો આધાર તો બની જ શકાય ને? ઇસ ૨૦૦૨માં ડાંગના શબરીધામ ખાતે મોરારીબાપુની કથા યોજાયેલી. રાજભાઈ પણ કથા સાંભળવા ગયેલા, અને ત્યાં એમણે મોરારીબાપુની પ્રેરણાથી, શબરીધામ મંદિરની પાછળની તળેટીમાં વસેલા મોખામાળ ગામના ગરીબ આદિવાસી બાળકોને ભણાવવાનું અને બીજી સગવડો પૂરી પાડવાનું બીડું ઉઠાવ્યું.

કુદરત જ્યારે તમારા સપના ઉજાડી નાખે, ત્યારે સાથે જ નવા સપનાના બી પણ રોપી આપે છે. ખુદનો પુત્ર ગુમાવી ચૂકેલા રાજ જરીવાળાને મોખામાળ ગામના અનેક આદિવાસી બાળકો સંતાન સ્વરૂપે મળી ગયા. મૂળે જરીવાળા પરિવારમાં લોકસેવાના સંસ્કાર પહેલેથી હતા, એમાં મોરારીબાપુની પ્રેરણા અને શબરીધામની એ કથા રાજભાઈ માટે જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઇ. જરૂરિયાત પૂરતું કમાઈ લીધું હતું, એટલે કમાણીની ચિંતા ત્યજીને અહીંથી એમણે પોતાના જીવનને નવી દિશા આપી.


લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા :

લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા :

એક દિવસ હાર્દિકના બાળપણના મિત્ર ઝુબીન કાબરાવાળા સાથેની વાતચીત દરમિયાન રાજભાઈને સ્ફૂરણા થઇ અને ઇસ ૨૦૧૩માં બીજી જૂને, હાર્દિકની જન્મજયંતિ નિમિત્તે સ્થાપના થઇ “હાર્દિક જરીવાળા ફાઉન્ડેશન”ની. હેતુ હતો ગરીબ આદિવાસી બાળકોને વિદ્યાદાન અન્નદાન અને વસ્ત્રદાન. શરૂઆતમાં મોખામાળ ગામના સવાસો બાળકોને સહાય કરવાની જવાબદારી ઉપાડી. આજે આઠસોથી માંડીને એક હજાર જેટલા બાળકોને ‘હાર્દિક જરીવાળા ફાઉન્ડેશન’ તરફથી નિયમિત સહાય મળી રહે છે. પોતાના સગ્ગા દીકરાના ઉછેર માટે રાજ્ભાઈએ જે સ્વપ્ન જોયા હશે, એ સ્વપ્નોને તેઓ આ ગરીબ આદિવાસી બાળકોને ઉછેરીને સંતોષી રહ્યા છે. જેમ જેમ લોકોને રાજભાઈએ ઉપાડેલા કામ વિષે ખબર પડતી ગઈ તેમ તેમ અનેક લોકો પણ સામેથી મદદની ઓફર કરવા માંડ્યા.

ફાઉન્ડેશન તરફથી દર વર્ષે બાળકોને અભ્યાસ માટેની કીટ આપવામાં આવે છે. નવી સ્કુલ બેગ્સ પણ સંસ્થા તરફથી જ મળે છે. આદિવાસી બાળકો શારીરિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવી શકે એ માટે એમને દર મહિને સાબુ, ટુથ-પેસ્ટ જેવી ચીજો આપવામાં આવે છે. દર છ મહિને ટુથ બ્રશ પણ મળે છે. શિયાળામાં સ્વેટર પણ સંસ્થા જ આપે. એટલું જ નહિ, કોઈ બાળક માંદુ હોય તો એને સુરત લાવીને પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં ઓપરેશન સહિતની સારવાર સુધ્ધાં કરાવી આપવામાં આવે છે. એ સિવાય દર મહિને ઓગસ્ટ મહિનામાં સુરતના જાણીતા ડોક્ટર્સ મોખામાળમાં મેડીકલ કેમ્પનું આયોજન પણ કરે છે.


હેન્ડ વોશનો પ્રોજેક્ટ છેક ૨૦૧૭થી અમલમાં.. આજે ગામમાં એક પણ કેસ કોરોનાનો નથી!

હેન્ડ વોશનો પ્રોજેક્ટ છેક ૨૦૧૭થી અમલમાં.. આજે ગામમાં એક પણ કેસ કોરોનાનો નથી!

કમાલની વાત એ છે કે આખું ગુજરાત જ્યારે કોરોનાના ભયથી ફફડી રહ્યું છે ત્યારે અહીં કોરોનાનો એક પણ કેસ નથી!

સીધીખબર સાથેની વાતચીત દરમિયાન રાજભાઈએ કહ્યું કે અમે છેક ૨૦૧૭થી જ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી જાગરુકતા કેળવવાના આશયથી હેન્ડ વોશ અને સેનીટાઈઝર્સ આપીએ છીએ. આથી બીજા આદિવાસી વિસ્તારોની સરખામણીએ અહીંના યુવાનો-બાળકોમાં સ્વછતા અને સ્વાસ્થ્ય બાબતની જાગૃતિ ઘણી સારી છે.

સ્વછતા અને શિક્ષણના પાયામાં પોષક આહાર પણ રહેલો છે. મોખામાળમાં ૩૪૪ ઘરો છે, જ્યાં ગુજરાત સરકારે લોકડાઉન દરમિયાન ફૂડ કીટ પહોંચાડેલી. આ કીટની પૂરક સામગ્રી તરીકે હાર્દિક જરીવાળા ફાઉન્ડેશાન તરફથી બીજી ફૂડ કીટ તમામ ઘરો સુધી પહોંચાડવામાં આવી. જેથી આ પરિવારોને ભરપેટ ભોજન મળી શકે. પંકજભાઈ પીઠવા અને પ્રિયવદન પટેલ જેવા સંનિષ્ઠ સ્વયંસેવકોએ ઘરે ઘરે ફરીને આ કીટ વહેંચી.


એક દિવસ આવ્યો નવો વિચાર...

એક દિવસ આવ્યો નવો વિચાર...

ગામના કોઈ વિદ્યાર્થીને પૈસાના વાંકે શિક્ષણ અધૂરું ન છોડવું પડે એ માટે થઈને ફાઉન્ડેશન તરફથી એમની ફી ભરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાને કારણે શાળાઓ-કોલેજીસ બંધ હોવાથી બહારગામ ભણતા છોકરાઓ અત્યારે ઘરે જ છે. રાજભાઈને વિચાર આવ્યો કે ગામના જ આ યુવાનોને ગામના બાળકોની સેવામાં જોડવા જોઈએ.

એમણે આ યુવાનોની જુદી જુદી ટીમ બનાવી, અને એમની પાસે જ નાના બાળકોને અપાતી કીટ બનાવડાવી. હાલમાં ગામના જ યુવાનોની કુલ ૧૬ ટીમ કાર્યરત છે. આ ટીમના સદસ્યોએ લોકડાઉન દરમિયાન પોતાના જ ગામના બાળકોને થોડું થોડું ભણાવવાનું શરુ કર્યું છે. જેને જે વિષયમાં રસ હોય, એ ભણાવે.... રોજના એક-બે કલાકનું શિક્ષણ આપવામાં આવે છે. સહુને માસ્ક પણ અપાયા છે. કોઈકે હાલમાં જ સેનિટાઇઝરની બોટલ્સ ડોનેટ કરી, એ પણ યુવાનોની ટીમની મદદથી વહેંચી દેવામાં આવી.

રાજભાઈ કહે છે કે આગળ જતા ગામના જ સારું ભણી ગયેલા યુવાનો આ રીતે પોતાના જ ગામના નવા છોકરાઓની જવાબદારી લે એ આ અભિયાનનો હેતુ છે. જો આવું થશે તો ભવિષ્યમાં આદિવાસીઓની વસ્તી ધરાવતું આ ગામ બહારના કોઈની મદદ વિના પોતાની રીતે જ સક્ષમ બનશે. જો ખરેખર આવું થશે તો મોખામાળ ગામની આવનારી પેઢીઓ ઋણી રહેશે.

માનવતાનાં આ અભિયાનમાં રાજ જરીવાલાની સાથે એમનાં પત્ની વર્ષાબેન, દિકરો રવિ, પુત્રવધુ ખુશ્બુ તથા પૌત્રી યશ્વી સતત કાર્યરત રહ્યા છે.

પોતાના અંગત જીવનમાં ઘા વેઠનાર રાજભાઈએ પોતાની સંસ્થા માટેની ટેગલાઈન રાખી છે, “સિક્યોરીંગ યંગ ડ્રિમ્સ”. અર્થાત, યુવાઓના સ્વપ્નોના સંવર્ધન માટે કાર્યરત!!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top